વડોદરા

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી મુરલી કૃષણન એ પેટા ચૂંટણીઓ ની મત ગણતરી વ્યવસ્થાઓ ની બેઠકવાર સમીક્ષા કરી હતી અને ખાસ કરીને કોવિડ વિષયક સલામતી માટેની સૂચનાઓ ના ચુસ્ત પાલન સાથે તમામ વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂક્યો હતો. વડોદરા માં કરજણ બેઠકની પેટા ચૂંટણી ની મત ગણતરી ની વ્યવસ્થાઓ ની વિગતો આપતા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે મંગળવાર તા.૧૦ મી નવેમ્બરના રોજ કરજણ બેઠકની મત ગણતરી કરવા માટે કોવિડ સૂચનાઓને વણી લઈને વડોદરામાં પોલીટેકનિક કોલેજ ખાતે જરૂરી તમામ પ્રબંધો કરવામાં આવી રહ્યાં છે. હાલ માં પંચની સૂચના પ્રમાણે આ સ્થળે સ્ટ્રોંગ રૂમ ખાતે અર્ધ લશ્કરી દળો અને પોલીસના જડબેસલાક બંદોબસ્ત વચ્ચે ઇવીએમ અને વીવિપેટ રાખવામાં આવ્યાં છે અને ચૂંટણી તંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

તેમણે મત ગણના માટે સ્ટાફની નિમણુંક,તાલીમ,મત ગણના ખંડમાં ટેબલ સહિતની વ્યવસ્થાઓ,રાઉન્ડ વાર પરિણામો ની ડેટા એન્ટ્રી,ઉમેદવારો ના પ્રતિનિધિઓ માટે પ્રવેશ સહિત ની વ્યવસ્થાઓ તેમજ પ્રત્યેક તબક્કે પંચની સૂચના પ્રમાણે કોવિડ સુરક્ષાની તકેદારી સહિત સૂચિત વ્યવસ્થા ની વિગતવાર જાણકારી આપી હતી.