ગાંધીનગર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કચ્છ ઘોરડોની બોર્ડર ઉપર સેનાના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરશે. ઉલ્લેખનીય છે કે બે દિવસના આયોજીત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સેનાના જવાનો સાથે સંવાદ કરશે આ ઉપરાંત બીએસએફ ,એરફોર્સ દ્વારા આયોજિત અનેકવિધ રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.આવી રહેલા દિવાળી પર્વની ઉજવણી સેનાના જવાનો સાથે કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ આગામી ત્રણ નવેમ્બરે કેબિનેટની બેઠક બાદ કચ્છ ધોરડો ખાતે પહોંચી જશે .જ્યાં તેઓ બોર્ડર સિક્યુરીટી ફોર્સ, એરફોર્સ ,ગુજરાત પોલીસ, કોસ્ટ ગાર્ડ અને એનસીસીના જવાનો સાથે દિવાળી તહેવારની ઉજવણી કરશે. તો બીજી તરફ તેમના આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી અલગ-અલગ પાંખના વડાઓ સાથે મહત્વની બેઠક કરશે. જેમાં રાજ્યની સરહદી સુરક્ષા અંગે સમીક્ષા કરશે અને ત્યારબાદ સેનાના જવાનો સાથે સીધો સંવાદ પણ કરશે ઉલ્લેખનીય છે કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દિવાળી પર્વની ઉજવણી સેનાના જવાનો સાથે કરવાનો સિલસિલો શરૂ કર્યો હતો.જેના પગલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પણ આ પરંપરા યથાવત રાખી હતી અને તેમણે પણ બનાસકાંઠાના નડાબેટ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. અને તે જ રીતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કચ્છ ધોરડો ખાતે બોર્ડર સિક્યુરીટી ફોર્સ અને વિવિધ પાંખના સેનાના જવાનો સાથે દિવાળી પર્વની હર્ષભેર ઉજવણી કરશે તે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.