વડોદરા : છેલ્લાં કેટલાંક દિવસોથી વડોદરામાં વકરેલા કોરોનાએ નાગરિકોમાં ફેલાવેલા ભયના વાતાવરણ અને સરકારી તંત્ર દ્વારા ‘સબ સલામત’ના બણગાં વચ્ચે સર્જાયેલી અંધાધૂંધીના માહોલમાં સ્થિતિની ગંભીરતા પારખી આવતીકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ વડોદરા માટે આવી રહ્યા છે. તેઓ આવતીકાલે સવારે ૧૧.૩૦ કલાકે શહેર-જિલ્લાના તમામ ૧૩ ધારાસભ્યો, સાંસદ, રાજકીય પદાધિકારીઓ અને કલેકટર, મ્યુનિ. કમિશનર તમામ ટીડીઓ-ડીડીઓ તથા ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવની સાથે એક સંયુક્ત બેઠક કરી વડોદરામાં ફાટેલા કોરોના, તેના પર નિયંત્રણ રાખવામાં મળી રહેલી નિષ્ફળતા તથા આગામી દિવસોમાં લેવા જાેઈતા તમામ પ્રકારના ગંભીર પગલાંઓ અંગે ચર્ચા કરનાર હોવાનું આંતરિક સૂત્રોએ જણાવ્યંુ છે.

સરકારી હોસ્પિટલોની સારવાર અંગે સામાન્ય પ્રજામાં ભારોભાર અસંતોષ ફેલાયેલો રાખી વધુમાં વધુ દર્દીઓ ખાનગી હોસ્પિટલો તરફ વળે એવું જાણે પૂર્વયોજિત થઈ રહ્યું હોય એવી ચર્ચા વચ્ચે વડોદરાની ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોનાના દર્દીઓની થતી ઉઘાડી લૂંટફાટ, બજાર ભાવ કરતાં અનેકગણી વધુ કિંમતે દવાઓનું વેચાણ-કાળાબજાર અને કોરોના ડામવામાં મળેલી નિષ્ફળતા જેવા અનેક સંવેદનશીલ મુદ્‌ાઓ પર ગંભીર ચર્ચા હાથ ધરાશે એમ મનાઈ રહ્યું છે.

કોરોનાના પહેલા તબક્કામાં પ્રમાણમાં ઓછા કેસ નોંધાયા હતા, પરંતુ આ બીજા તબક્કામાં તેમાં આવેલા ઉછાળાથી લોકોમાં ભય અને ફફડાટ ફેલાયો છે. સરકારી અને તેના સંલગ્ન તંત્ર એ સ્વીકારવા તૈયાર નથી કે તેમણે જ ચૂંટણીઓ દરમિયાન કોરોના અંગેની આચારસંહિતાના પાલનમાં દાખવેલી ગંભીર બેદરકારીએ વડોદરાને આ મહારોગના વિકરાળ જડબામાં ધકેલી દીધું છે. એ તમામ જવાબદારો તો મોંઘામાં મોંઘી હોસ્પિટલોમાં વીવીઆઈપી ટ્રીટમેન્ટ મેળવી શકે છે અને એમની સારવારનો ખર્ચ તો સરકાર ભોગવવાની છે, એટલે એમને કોરોના સંક્રમિત થવાનો એટલો ડર નથી, જેટલો સામાન્ય નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. આ સંજાેગોમાં રાજ્યના આરોગ્યમંત્રીની આવતીકાલની મુલાકાતમાં કડક પગલાંના આદેશો સહિતની મહત્ત્વના નિર્ણયો લેવાય એમ મનાઈ રહ્યું છે.

પ્રજાપ્રતિનિધિઓ અને સરકારી તંત્ર વચ્ચે ઊંડી ખાઈ પડયાની છાપ

આધારભૂત સાધનોના જણાવ્યા અનુસાર સરકાર નિયુકત ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવ અને સ્થાનિક ધારાસભ્યો સહિતના અન્ય મોટા રાજકારણીઓ વચ્ચે ભારે ઊંડી ખાઈ સર્જાઈ છે તથા ડો. રાવ એકહથ્થુ મનસ્વી શાસન ચલાવતા હોવાના ગંભીર આક્ષેપો મુખ્યમંત્રી સુધી કરવામાં આવ્યા છે. તંત્ર માત્ર પથારીઓની સંખ્યા વધારવામાં જ વ્યસ્ત હોવાનું તથા સારવારની ગુણવત્તા સુધારવામાં કે ખાનગી હોસ્પિટલોમાં ચાલતી ઉઘાડી લૂંટ, દવાઓના કાળાબજાર જેવી બાબતોમાં ઈરાદાપૂર્વકની ઉદાસીનતા બતાવાઈ રહી હોવાની ગંભીર ફરિયાદો ઉપર સુધી કરવામાં આવ્યાના પગલે આરોગ્યમંત્રી નીતિન પટેલે જાતે વડોદરા જઈ સરકારી તંત્ર અને તેના વડાને સાનમાં સમજાવવાનું નક્કી થવાના ભાગરૂપે આ મુલાકાત ગોઠવાઈ છે.

ઉઘાડી લૂંટ ચલાવતા ખાનગી દવાખાનાઓ

વડોદરાના ખાનગી દવાખાનાઓએ કોરોનાની મહામારીને આંધળી કમાણીનું સાધન બનાવી દીધાનું અને દર્દીઓની ઉઘાડી લૂંટ ચાલતી હોવાની ગંભીર ફરિયાદો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી-આરોગ્યમંત્રી નીતિન પટેલને પણ કરવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્યો અને અન્ય દિગ્ગજ રાજકારણીઓની આ ગંભીર ફરિયાદથી ચોંકી ઊઠેલી સરકાર ખાનગી દવાખાનાઓ સામે પણ કોઈ આકરાં પગલાંની જાહેરાત કરે તો નવાઈ નહીં એમ મનાય છે.

કોરોના માટેના ખર્ચાઓ અંગે પણ શંકાઓ?

કોરોનાની સ્થિતિ માટે થતા વધારાના ખર્ચામાં પણ અનેક ગેરરીતિઓ કરી મોટાપાયે ખાઈકી થઈ રહી હોવાની ફરિયાદ સરકારને કરવામાં આવી હોવાનું સૂત્રોનું કહેવું છે. ખર્ચા અંગેના બિલો ખરેખર વાજબી છે અને ખરેખર ખર્ચ કરાયા છે ખરા? અને એ જ હેતુથી ખર્ચા કરાયા છે? જેવી અનેક શંકાઓ પણ ઉપર સુધી વ્યક્ત થઈ હોવાનું માનવામાં આવે છે.

હજુ પણ મોટાપાયે રસીકરણ શરૂ કરાશે

નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ આવતીકાલની તેમની વડોદરા મુલાકાત દરમિયાન કોરોનાને નાથવાના ભાગરૂપે મોટાપાયે રસીકરણ શરૂ કરવાની અને ગાઈડલાઈનના કડક પાલન અંગેના નીતિવિષયક નિર્ણય લઈ જાહેરાત કરશે એમ મનાઈ રહ્યું છે.