સુરત, તા.૨ 

સુરત સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી કિડની હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે ઉભી કરાઈ રહેલી બેડ વ્યવસ્થાનું રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે નિરીક્ષણ કર્યું હતું. કિડની હોસ્પિટલને કોરોના હોસ્પિટલ બનાવવાની મુખ્યમંત્રીએ જ જાહેરાત કરી હતી.

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ૬૪મો જન્મ દિવસ છે. મુખ્યમંત્રીની સાથે સુરતની મુલાકાતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન પણ જોડાયા છે.

સુરત શહેરમાં કોરોના સતત વકરી રહ્યો છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી ૨૭ દિવસ બાદ ફરી સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે આવેલી સ્ટેમ સેલ કોવિડ-૧૯ હોસ્પિટલની અને નજીકની કિડની બિલ્ડીંગમાં નિર્માણાધીન કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટર કચેરીના સભાખંડમાં સુરત શહેર અને જિલ્લાની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.