વડોદરા : શહેરમાં માર્ગ અકસ્માતના જુદા જુદા બે બનાવ બનવા પામ્યા હતા. જેમાં બાપોદ હદ વિસ્તારમાં ઘરઆંગણે રમતા દોઢ વર્ષના માસૂમ પર બોલેરો પીકઅપવાન ચઢી જતાં તેનું મોત થયું હતું, જ્યારે તરસાલી બાયપાસ પાસે મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ શહેરના આજવા રોડ પર એકતાનગર સ્થિત લક્ષ્મીનગરમાં રહેતા હમીદઉલ્લા જીઆઉલ્લા અંસારીએ બાપોદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઘરે સિલાઈ કામ કરીને ગુજરાન ચલાવે છે. સંતાનમાં તેમને એક દીકરી અરસી (ઉં.વ.૬) અને ૧૬ માસનો દીકરો હમ્માદ હાસીમ છે. આજે સવારે સાડા નવ વાગે મારો દીકરો હમ્માદ હાસીન અંસારી ઘરના આંગણામાં રમતો હતો ત્યારે લક્ષ્મીનગર સોસાયટી તરફથી પૂરઝડપે આવેલી પોલ્ટ્રી ફાર્મની બોલેરો પીકઅપ વાને મારા દીકરા હમ્માદ હાસીનને ટક્કર મારી હતી જેમા મારા પુત્રને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે બોલેરો પીકઅપ વાનનો ચાલક ગાડી મુકીને નાસી ગયો હતો. મારા દીકરાને રિક્ષામાં બેસાડી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મારા પુત્રને મરણ જાહેર કર્યો હતો. .

અન્ય અકસ્માતના બનાવમાં ભાવનગર જિલ્લાના વતની અને હાલ સુરતના અઠવાગેટ પાસે આવેલ દીપમંગલ સોસાયટીમાં રહેતા ગૌરીબેન નરેન્દ્રભાઈ હરસોરા તેમની બે દીકરીઓ સાથે રહે છે. મોટી દીકરી સલોની (ઉં.વ.૧૬) અને નાની દીકરી દેવાંશી (ઉં.વ.૧૩)ની છે. તેમના પતિ છૂટક મિસ્ત્રીકામ કરે છે. શનિવારે સાંજે લગભગ પાંચ વાગે વતન ભાવનગરથી અમારી મારુતિ સુઝુકી કારમાં હું મારા પતિ અને મારી બંને દીકરીઓ સુરત જવા માટે નીકળ્યાં હતાં. કાર મારા પતિ ચલાવી રહ્યા હતા. વડોદરા નેશનલ હાઈવે નં.૪૮ પરથી અમારી કાર સુરત તરફ જઈ રહી હતી ત્યારે તરસાલી બ્રિજ ઉપર રાત્રિના ૧૧.૧૫ વાગે કારની ડાબી બાજુના ટાયરમાં અચાનક પંક્ચર થતાં કાર પતિએ ડિવાઈડર પાસે ઊભી રાખી હતી. મારી બંને દીકરોઓ પણ સાથે ઉતરીને ડિવાઈડર ઉપર જઈને ઊભી રહી હતી, જ્યારે હું કારમાં જ બેઠી હતી તે વખતે પૂરઝડપે આવેલી ટ્રક અમારી કાર સાથે અથડાતાં અકસ્માત થયો હતો. પતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓએ પતિને મરણ જાહેર કર્યા હતા.