બિજીંગ-

બંને દેશો વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા પરના ગલવાન ખીણ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષ દરમિયાન જે ચીની સૈનિકોએ જાન ગુમાવ્યા કે ઈજાઓ થઈ એ તમામની ચીની લશ્કરે અને સરકારે પ્રશસ્તિ-સન્માન અને વળતર આપીને કદર કરી છે. જ્યારે આ સંઘર્ષ દરમિયાન ઘવાયેલા એક કર્નલને સન્માનજનક બિરુદ આપ્યું છે. 

ચીની સેનાના કેન્દ્રિય કમિશનને  ટાંકીને ચીની સરકારના મિડિયા દ્વારા કહેવાયું હતું કે, જે ચાર સૈનિકો માર્યા ગયા હતા તેમને મરણોપરાંત શૌર્યપદક અપાયા છે અને પ્રથમ દરજ્જાનું પ્રશસ્તિપત્ર અપાયું છે. જ્યારે આ જ સંઘર્ષ કરનાર ટૂકડીના કમાન્ડર કી ફેબેઓને હીરો રેજીમેન્ટલ કમાન્ડર ગણાવતું બિરૂદ અપાયું છે. બંને દેશો વચ્ચેના આ સંઘર્ષમાં ભારત તરફે 20 જવાનો માર્યા ગયા હતા જ્યારે ચીન તરફે 45 જેટલા જવાનો માર્યા ગયા હોવાનો એક રશિયન એજન્સીએ દાવો કર્યો હતો.