દિલ્હી-

અમેરિકી સંસદે કોંગ્રેસની એક ટોચની સમિતિએ પોતાના વાર્ષિક અહેવાલમાં સનસનાટીપૂર્ણ ખુલાસો કરતા કહ્યું છે કે, ચીનની સરકારે જ આ વર્ષે જુનમાં ભારત સરહદે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણનું ષડયંત્ર રચ્યુ હતું.

અમેરિકી અહેવાલ પ્રમાણે આ હુમલા પાછળનો ચીનનો હેતુ પોતાના પાડોશી દેશો વિરૂદ્ધ ‘ધાક-ધમકી’ અભિયાન વધારે આક્રમક બનાવવાનો હતો. ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકોએ રાતના અંધારામાં છુપાઈને અનેક તીષ્ણ અને બોથડ હથિયારો વચ્ચે ભારતીય સૈનિકો પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. જેમાં ભારતના 20 સૈનિકો શહિદ થયા હતાં જ્યારે ચીનના 40 થી પણ વધારે જવાનો માર્યા ગયા હતાં.

અમેરિકાના ચીન આર્થિક અને સુરક્ષા સમીક્ષા આયોગએ પોતાના વર્તમાન રિપોર્ટમાં કહ્યું છે કે, કેટલાક મહત્વના પુરાવાઓ દર્શાવે છે કેમ ચીની સરકારે જ ગલવાન હુમલાનું ષડયંર રચ્યું હતું. તેમાં સૈનિકોની હત્યા નિપજાવવાની શકયતા પણ શામેલ છે. યુએસસીસીની સ્થાપના વર્ષ 2000માં કરવામાં આવી હતી જે અમેરિકા અને ચીન વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યાપારના મુદ્દાઓની તપાસ કરે છે. આ કમિટી અમેરિકી કોંગ્રેસને ચીન વિરૂદ્ધ વિધાયી અને પ્રશાસનિક કાર્યવાહીની ભલામણ પણ કરે છે.

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીની સરકારે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઉશ્કેરણીજનક પગલા ભરવા પાછળના ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયા નથી. પરંતુ ચીનના આ પગલા પાછળનું સંભવિત કારણ ભારતના સરહદી વિસ્તારોમાં રણનૈતિક રસ્તાઓનું બાંધકામ કરવાનો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ગલવાન હિંસાના થોડા જ સમય પહેલા ચીનના સંરક્ષણ મંત્રી વીઈએ પોતાના જવાનોને સ્થિરતા લાવનારા યુદ્ધ કરવા માટે ઉત્સાહિત કર્યા હતાં.

એટલુ જ નહીં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના બગલબચ્ચા ગ્લોબલ ટાઈમ્સે પણ ભારતને ચેતવણી આપી હતી. આ ચેતવણીમાં ગ્લોબલ ટાઈમ્સે કહ્યું હતું કે, જાે ભારત અમેરિકા-ચેનના પ્રતિદ્વંદ્વિઓમાં શામેલ થશે તો તેને વ્યાપાર અને આર્થિક મોરચે આકરો જવાબ આપવામાં આવશે. ગલવાન હિંસાના થોડા સપ્તાહ પહેલા જ કેટલીક સેટેલાઈટ તસવીરો પણ હાથ લાગી હતી જેમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું હતું કે, ચીને આ હિંસા આદરી તે પહેલા જ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં જવાનો તૈનાત કર્યા હતાં.