લદ્દાખમાં ગોલવાન ખીણની ઘટના બાદ ભારત અને ચીનના સંબંધો વણસ્યા છે. તનાવ વધ્યો છે. ભારત જડબાતોડ જવાબ આપી રહ્યો છે. ત્યારે ચીને હવે નવી ચાલ રમી છે. તે અન્ય પાડોશી દેશોને આકર્ષી રહ્યુ છે. હવે બેઇજિંગે નેપાળ બાદ બાંગ્લાદેશના દાણા નાંખ્યા. ઢાકાને કહ્યુ કે તેને ત્યાં આયાતીત બાંગ્લાદશની ૫૧૬૧ પ્રોડક્ટ્‌સ પર ૯૭ ટકા ટેરિફ ઘટાડી રહ્યુ છે. બાંગ્લાદેશ ભારતનો મજબૂત સહયોગી છે. તેથી ચીન તેને પ્રલોભનો આપી પોતાની તરફ ખેંચી રહ્યુ છે. પાકિસ્તાન તો પહેલેથી જ તેના ખોળામાં બેઠુલું છે. તેણે નેપાળને પણ લલચાવ્યું છે. હવે તેની નજર બાંગ્લાદેશ પર છે. 

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં આ માહિતી આપી.કહ્યુ કે ચીનની કોમ્યુનિસ્ટ સરકારે બાંગ્લાદેશની ૫૧૬૧ પ્રોડક્ટ્‌સને ૯૭ ટકા ટેરિફ ઝીરો ટ્રીટમેન્ટ આપવાનું સ્વીકારી લીધું છે. ચીનના નાણામંત્રાલયની રાજ્ય પરિષદના ટેરિફ આયોગે ૧૬ જૂને આ અંગે નોટિસ પણ જારી કરી છે. આ દર એક જુલાઇથી લાગૂ થશે. આમ તો બાંગ્લાદેશે પોતાને ઓછો વિકસિત દેશ ગણાવી ચીન પાસે તેની પ્રોડક્ટ્‌સ પરની ડ્યૂટી ઘટાડવા માગ કરી હતી. પરંતુ ચીને આશ્ચર્યજનક રીતે અને જાણે વ્હાલ વરસાવતો હોય તેમ ૫ હજારથી વધુ પોતાની પ્રોડક્ટ પરની ડ્યૂટી ૯૭ ટકા ઘટાડી દીધી.