દિલ્હી-

ભારતની ઓછામાં ઓછી 1600 કંપનીઓમાં ચીનનું 7500 કરોડ રૂપિયાનું રોકાણ હતું. આ માહિતી ખુદ ભારત સરકારે સંસદમાં આપી હતી. સરકારે જણાવ્યું હતું કે 2016ના માર્ચથી શરૂ કરીને 2020ના માર્ચ સુધીમાં ચીને 1600 જેટલી ભારતીય કંપનીઓમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ 7500 કરોડનું મૂડી રોકાણ કર્યું હતું. 

આજે મંગળવારે સવારે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે આ માહિતી આપી હતી. સવાલ પૂછનારે પૂછ્યું હતું કે શું એ વાત સાચી છે કે ચીને ભારતીય કંપનીઓમાં ખાસ કરીને સ્ટાર્ટ અપમાં માતબર મૂડી રોકાણ કર્યું હતું. એના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી. સરકારે કહ્યું કે ૨૦૧૬ના માર્ચથી 2020ના માર્ચ સુધીમાં ચીને 1.02 અબજ અમેરિકી ડૉલર્સનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું.

આવી કંપનીઓમાં વેપાર વ્યવસાયનાં 46 ક્ષેત્રો સંકળાયેલાં હતાં. ઓટોમોબાઇલ્સ, લીથો પ્રિન્ટીંગ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ, વિવિધ સેવાઓ અને વિદ્યુત ઉપકરણોના ક્ષેત્રનો સમાવેશ થયો હતો. સૌથી વધુ મૂડીરોકાણ 17.2 કરોડ ડૉલર્સ ઓટોમોબાઇલ ઉદ્યોગમાં થયું હતું. વિવિધ સેવા ક્ષેત્રે 13 કરોડ 96.5 લાખ ડૉલર્સનું રોકાણ ચીને કર્યું હતું. કોર્પોરેટ અફેર્સ મંત્ર્યાલય સંભાળતા અનુરાગ સિંઘ ઠાકુરે કહ્યું હતું કે ચીની સંસ્થાઓ દ્વારા જે મૂડીરોકાણ કરાય છે એની વિગતો અમારું મંત્ર્યાલય રાખતું નથી.