દુબઇ 

કિંગ્સ ઈલેવન પંજાબના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલને મેચ રેફરીએ દંડ કર્યો છે. ગેઈલ પર આઈપીએલની આચાર સંહિતા તોડવાનો આરોપ છે. તેણે મેચ ફીની 10 ટકા રકમ દંડ તરીકે ચૂકવવાની રહેશે. જણાવી દઈએ કે શુક્રવારે રાજસ્થાન રોયલ્સ સામે મેચ દરમિયાન ગેઈલે આઉટ થયા બાદ મેદાન પર બેટ ફેંકી દીધું હતું. તેના પર આઈપીએલની આચાર સંહિતાના લેવલ-1નો ચાર્જ લાગ્યો છે. ગેઈલ પર ખેલ ભાવનાને નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.

રાજસ્થાન વિરુદ્ધ ક્રિસ ગેઈલે તોફાની ઈનિંગ્સ રમી. ચોગ્ગા-છગ્ગાના વરસાદ કરનારા ગેઈલે આઈપીએલમાં પોતાના સાતમી સદીની નજીક પહોંચી ગયો. 19મી ઓવરમાં જોફ્રા આર્ચરના ત્રીજા બોલ પર ગેઈલે શાનદાર છગ્ગો માર્યો અને સ્કોર 99 રન પહોંચી ગયો. ગેઈલની વધુ એક સદી પાક્કી હતી, પરંતુ આ બાદ તે યોર્કર લેન્થની બોલ પર આઉટ થઈ ગયો. આ બાદ ગેઈલ ગુસ્સામાં પોતાનું બેટ જમીન પર મારવા ઈચ્છતો હતો, પરંતુ બેટ હવામાં જઈને વિકેટની બીજી તરફ જઈને પડ્યું. જોકે બાદમાં ગેઈલે પેવેલિયન પાછા જતા સયમે આર્ચર સાથે પણ હાથ મિલાવ્યો.

આ મેચમાં ક્રિસ ગેઈલે માત્ર 63 બોલમાં 99 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી. આ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 8 છગ્ગા માર્યા. એટલે કે માત્ર 72 રન તેણે છગ્ગા-ચોગ્ગાથી પૂરા કર્યા. ગેઈલે કે.એલ રાહુલ સાથે મળીને બીજી વિકેટ માટે 120 રનની પાર્ટનરશીપ કરી હતી. હાલની આઈપીએલ સીઝનમાં આ ગેઈલના બેટથી ત્રીજી હાફ સેન્ચુરી હતી. છગ્ગાનો વરસાદ કરનારો ગેઈલ હવે સૌથી વધુ છગ્ગા મારવાની રેસમાં ત્રીજા નંબરે છે, તેણે અત્યાર સુધી 23 છગ્ગા માર્યા છે.