વડોદરા -

સિટાગ્લીપ્ટીન અને એમ્પાગ્લી ફલોઝીન દવાઓ ડાયાબિટીસના દર્દીઓમાં કોવિડ-૧૯નો મૃત્યુદર ઘટાડી શકે છે એમ ગોત્રી હોસ્પિટલના કોવિડ સેન્ટરના નોડલ અધિકારી તબીબ ડો. શીતલ મિસ્ત્રીએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું. ડો. મિસ્ત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, દુનિયામાં હાલ ૪૬ કરોડ કરતાં વધુ દર્દીઓ ડાયાબિટીસના દર્દથી પીડાઈ રહ્યા છે અને કોવિડ-૧૯ની મહામારીમાં દાખલ થતા દર્દીઓમાં લગભગ ૧૪.૫ ટકા લોકોને ડાયાબિટીસ હોય છે. કોવિડ-૧૯માં ડાયાબિટસ દર્દીઓમાં ૭.૩ ટકાનો મૃત્યુદર નોંધાયો છે જે સામાન્ય કરાં ત્રણ ગણો વધુ છે.

કોવિડ-૧૯ રોગ એ ડાયાબિટીસના દર્દીઓ માટે બેધારી તલવાર સમાન છે. ડાયાબિટીસના દર્દીઓમાં રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોવાને કારણે કોવિડ થવાનું જાેખમ વધુ હોવાનું, તદ્‌ઉપરાંત રેસ્પીરેટરી ફેલ્યોર, ડાયાબિટીક કીટો એસીફોસીસ, મલ્ટિઓર્ગન ફેલ્યોર, સાઈટોડાઈન સ્ટોર્પ જેવા કોમ્પ્લિકેશન થવાનું પ્રમાણ વધુ હોવાનું ડો. મિસ્ત્રીએ જણાવ્યું હતું. કોરોના વાઈરસ એસીઈ-ર રિસેપ્ટર (એન્જિયોટેન્સન કન્વર્ટિંગ એન્ઝાઈન) સાથે સંલગ્ન થઈ મનુષ્યના શરીરના કોષોમાં પ્રવેશતો હોય છે. આ રિસેપ્ટર્સની સંખ્યા ફેફસાંના કોષો સિવાય, સ્વાદુપિંડ, કિડની, આંતરડાં અને ચરબીના કોષોમાં પણ હોય છે, જે ગ્લુકોઝની મેટાબોલીઝીમમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તેથી કોવિડ-૧૯ના દર્દીઓમાં ગ્લુકોઝ મેટાબોલીઝીમ અસ્તવ્યસ્ત થઈ જાય છે. જેથી જે વ્યક્તિને ડાયાબિટીસ ન હોય તેવા દર્દીઓમાં પણ ડાયાબિટીસ પ્રથમ વખત દેખાય છે અને સુગરમાં પુષ્કળ વધારો નોંધાય છે.

કોવિડ-૧૯ના દર્દીઓમાં સાઈટોકાઈન સ્ટોર્પને કાબૂમાં રાખવા માટે સ્ટીરોઈડનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો હોવાથી પણ ડાયાબિટીસના નવા કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તજ્‌જ્ઞ તબીબ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, દરેક ડાયાબિટીસના દર્દીઓએ કોવિડ-૧૯ની મહામારી દરમિયાન પોતાના સુગર લેવલનું સેલ્ફ મોનિટરિંગ કરવું જાેઈએ અને ટેલિમેડિસિનનો સહારો લઈ પોતાના ડાયાબિટીસને કંટ્રોલ રાખવો જાેઈએ. ડાયાબિટીસની ટ્રીટમેન્ટ માટે વિવિધ દવાઓ ઉપલબ્ધ છે. જેવી કે, સલ્ફોનિલ યુરિયા, મેટફોર્મિબ, ઈન્સ્યુલીન વગેરે પરંતુ ડાઈપેપ્ટીડાઈલ પેપ્ટીડેઝ-૪, ઈન્હીબીટર (સિટાગ્લીપ્ટીન) દવા ખૂબ જ આશાસ્પદ છે તેમ અંતમાં ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું.