વડોદરા : પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સર્જાતા દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણ સાથે બપોરના સમય દરમ્યાન વરસાદી છાંટા પડ્યા હતા. જેને પગલે શનિવારે દિવસના ઉકળાટ બાદ રાત્રે શહેરમાં છાંટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ગઈકાલે હવામાન વિભાગે ૪૮ કલાક સુધી શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી વ્યક્ત કરી હતી. બીજી તરફ આ સિસ્ટમના પગલે શહેરમાં રવિવારના રોજ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું તેમજ દિવસ દરમિયાન પડેલા છૂટાછવાયા વરસાદ બાદ ભારે બફારો અનુભવાતાં શહેરીજનો પરસેવે રેબઝેબ થયાં હતાં. અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર પશ્ચિમ દિશામાં ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે. એવી પૂરેપૂરી સંભાવના છે કે, આ સિસ્ટમ દરિયામાં જ સમાઈ જાય. જોકે લો પ્રેશરના પગલે શહેરમાં આગામી ૪૮ કલાકમાં વરસાદ વરસી શકે છે. રવિવારે શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ભેજ અને ગરમીના પગલે પારો ૩૪ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. દિવસ દરમિયાન ભારે બફારો અનુભવાતાં લોકો પરેશાન થઈ ગયા હતા. આગામી ૪૮ કલાક સુધી લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળવાના કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી. રવિવારે મહત્તમ તાપમાનનો પારો૩૪.૮ ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો ૨૬.૮ ડિગ્રી નોંધાયો હતો.