વડોદરા, તા.૨૪

શહેરમાં આજે પણ સતત ત્રીજા દિવસે વાદળિયા વાતાવરણ વચ્ચે તાપમાનનો પારો ઘટવાની સાથે ગરમીમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી છે. જાે કે, હજુ એકાદ દિવસ વાદળિયું વાતાવરણ રહેતાં ગરમીનું પ્રમાણ ઓછું રહેશે, પરંતુ વાદળછાયા વાતાવરણ બાદ ફરી હિટવેવની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે મહત્તમ તાપમાન ૩પ.૬ ડિગ્રી નોંધાયું હતું.

માર્ચ મહિનાના મધ્યાહને તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર પહોંચતાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ્‌ પોકારી ઊઠયા હતા અને માર્ચમાં જ આટલી ગરમી છે, તો મે-જૂન મહિનામાં પારો ક્યાં પહોંચશે તેની ચિંતામાં મુકાયા હતા. ત્યાં બે દિવસથી હવામાનમાં એકાએક પલટો આવતાં ગરમી ઘટવાથી લોકોએ રાહત અનુભવી હતી. બે દિવસ આંશિક વાદળિયું વાતાવરણ રહ્યા બાદ આજે સવારથી જ વાદળાં છવાયેલાં રહ્યાં હતાં.

વાદળિયા વાતાવરણ વચ્ચે આજે તાપમાનમાં વધુ ઘટાડો થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન ૩પ.૬ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લઘુતમ તાપમાન રપ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૪૪ ટકા, જે સાંજે ર૦ ટકા અને હવાનું દબાણ ૧૦૦પ.પ મિલિબાર્સ અને ઉત્તર-પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૮ કિ.મી. નોંધાઈ હતી. જાે કે, વાદળો વિખેરાયા બાદ ફરી ગરમી વધશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.