વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧ મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર ૧૯ ઈલેક્શન વોર્ડની ૫૬ બેઠકોને માટે કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી બાદ બાકી રહેલા ૫૬ ઉમેદવારોની પસંદગીને અંતિમ મોહર મારવાને માટેની ગડમથલ મોડે સુધી જારી રહેવા પામી છે. જેને માટે શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાની હેઠળ પક્ષના અગ્રણીઓ અંતિમ યાદી નક્કી કરવાને માટે પ્રદેશ અગ્રણીઓ પાસે પહોંચ્યા છે. જેમાં મોડી રાત સુધી ચર્ચા વિચારણાને અંતે બાકીના ૫૬ ઉમેદવારો નક્કી થવાની સંભાવનાઓ જાેવાઈ રહી છે. હાલમાં તો સંભવિત ઉમેદવારો પોતાનું નામ યાદીમાં બહાર પડે એને માટે પ્રતીક્ષા કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ - જીપીસીસી દ્વારા સોમવારના રોજ રાજ્યની છ મહાનગર પાલિકાઓ પૈકી અમદાવાદ સિવાયની વડોદરા સહિતની પાંચ મહાનગર પાલિકાઓના વિવિધ વોર્ડના કેટલાક ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.જેમાં વડોદરા શહેરના ૧૧ વોર્ડના કુલ ૨૦ ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ હતી. એમાં એકમાત્ર વોર્ડ-૪ના તમામે તમામ ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે પાંચ ઈલેક્શન વોર્ડ જેમાં વોર્ડ નંબર ૧,૩,૭,૧૧,૧૩ અને ૧૬નો સમાવેશ થાય છે. એમાં બબ્બે મળીને કુલ બાર ઉમેદવારોની પસંદગી કરાઈ છે.આ ઉપરાંત વોર્ડ નંબર ૨,૯,૧૭ અને ૧૯માં એક એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. એ જાેતા હવે છ વોર્ડમાં બબ્બે ઉમેદવારો મળીને બાર ઉમેદવારો, ચાર વોર્ડમાં ત્રણ ત્રણ મળીને બાર ઉમેદવારો જ્યારે ૫,૬,૮,૧૦,૧૨,૧૪,૧૫ અને ૧૮ એમ આઠ વોર્ડમાં તમામે તમામ ચાર ચાર ઉમેદવારો મળીને કુલ ૩૨ ઉમેદવારોની પસંદગી કરવાની બાકી રહે છે. આમ કુલ ૫૬ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા બાકી રહી છે. જેને મોડી રાત સુધી પૂર્ણ કરાશે.એમ પક્ષના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું. વડોદરા પાલિકામાં છેલ્લા ૨૫-૨૫ વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે. ત્યારે આ વખતે કોંગ્રેસ દ્વારા સત્તા પ્રાપ્ત કરવાને માટે અને વિપક્ષમાંથી શાસક પક્ષમાં બેસવાને માટે આક્રમકઃ પ્રચાર થકી સત્તા મેળવવાનો પ્રયાસ કરનાર છે. ત્યારે ઉમેદવારોની પસંદગી પર મોટો મદાર રહેલો છે. આ સંજાેગોમાં સગાવાદ અને નેતાવાદથી ત્રસ્ત બનીને સત્તા વિહીન બનેલ કોંગ્રેસ સત્તા મેળવવાને માટે છાસ ફૂંકી ફૂંકીને ઉમેદવારોની પસંદગી કરશે એમ પણ સૂત્રોએ ઉમેર્યું હતું.

ઈલેક્શન વોર્ડમાં જ્ઞાતિકરણનું સમીકરણ ધ્યાનમાં નહિ રાખે તો અઘરું પડશે

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પાલિકાની ચૂંટણીમાં તમામે તમામ ૧૯ વોર્ડમાં જ્ઞાતિઓનું સમીકરણ ધ્યાનમાં રાખવામાં આવશે નહિ તો અઘરું પડી જશે એમ મનાઈ રહ્યું છે. ભૂતકાળમાં ખામ થીયરીના આધારે સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રચંડ બહુમત મેળવનાર કોંગ્રેસ પક્ષ આવી જ રીતે વડોદરા શહેરના તમામે તમામ ૧૯ વોર્ડમાં જાે મતદારોની યાદીના આધારે જ્ઞાતિઓનું સમીકરણ ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરશે નહિ તો એને અઘરું પડશે એમ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઈ રહ્યું છે.