વડોદરા, તા.૬  

કોરોના મહામારીનો ભય હજુ ટળ્યો નથી ત્યાં બર્ડ ફ્લુના કારણે તંત્ર દોડતુ થયુ છે.જાેકે,વડોદરા શહેર-જિલ્લામાં હજુ પક્ષીઓના મરણના કોઈ બનાવો નોંધાયા નથી.પરંતુ પશુપાલન વિભાગ દ્વારા તમામ તકેજારી રાખવામાં આવી રહી છે.બર્ડ ફ્લુ કે એવિયન ફ્લુ ના સંભવિત જાેખમને અનુલક્ષીને પશુપાલન ખાતાએ સાવચેતી માટે શહેર અને જિલ્લામાં સઘન સર્વેક્ષણ હાથ ધર્યું છે અને વઢવાણા જેવા વેટ લેન્ડ્‌સ કે જ્યાં હાલમાં હજારો દેશી વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે, ત્યાં વન વિભાગનો સહયોગ લેવામાં આવી રહ્યો છે. જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડો.પ્રકાશ દરજીએ ઉપરોક્ત જાણકારી આપતાં જણાવ્યું કે સદભાગ્યે હાલમાં વડોદરા શહેર કે જિલ્લામાં શંકાસ્પદ પક્ષી મરણ ના કોઈ બનાવો નોંધાયા નથી,તેમ છતાં તકેદારી રાખવામાં આવી રહી છે.

  તેમણે જણાવ્યું કે, વન વિભાગના સહયોગ થી પક્ષી તીર્થો તરીકે જાણીતા તળાવો ખાતે નજર રાખવાની સાથે પશુપાલન ખાતાએ પોતાના કર્મચારીઓની મદદ થી પૌલટ્રી ફાર્મ જેવી સંસ્થાઓ સાથે સંકલન કર્યું છે અને પક્ષીઓની શંકાસ્પદ માંદગી/મરણની ઘટનાઓની તાત્કાલિક ખાતાને જાણ કરવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે, મોટી સંખ્યામાં પક્ષી મરણ જેવી ઘટનાઓમાં અમદાવાદ ખાતેની રજ્યસ્તરની પ્રયોગશાળામાં ચકાસણી કરવામાં આવે છે અને વધુ સઘન તપાસ માટે ભોપાલની હાઈ સિક્યુરિટી એનિમલ ડીસિઝ લેબની પણ મદદ લેવાય છે.

તાજેતરમાં માણાવદરમાં મોટી સંખ્યામાં કાગડાના મરણ થયાં ત્યારે અમદાવાદ ખાતેની લેબની તપાસમાં ખોરાકી ઝેર જવાબદાર હોવાનું જણાયું. તેમ છતાં, વધુ તકેદારી માટે ભોપાલની સંસ્થામાં તપાસ કરાવતા બર્ડ ફ્લુ નેગેટિવ આવ્યો. તેમણે એક રસપ્રદ જાણકારી આપતાં જણાવ્યું કે પક્ષીઓમાં બર્ડ ફ્લૂની તપાસ માટે, કોરોનાની તપાસ જેના દ્વારા કરવામાં આવે છે એવા આર.ટી.પી.સી.આર. ટેસ્ટની જ મદદ લેવાય છે.