વડોદરા, તા. ૨૪

વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે લધુત્તમ તાપમાનમાં એક ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલો ધટાડો થતા શહેરીજનો કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા હતા. રાત્રી દરમ્યાન ઠંડા પવન ફૂંકાવાના કારણે મોટાભાગના રાજમાર્ગો સૂમસામ નજરે પડ્યા હતા.

લધુત્તમ તાપમાનમાં એક ડીગ્રી સેન્ટીગ્રેડના ધટાડો નોંધાતા શહેરીજનો ઠંડીથી ઠૂંઠવાયા હતા. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં શરીરને તંદુરસ્ત બનાવવા માટે અનેક લોકો કમાટીબાગ સહિત વિવિધ બગીચાઓમાં મોર્નિગ વોક કરતા નજરે પડ્યા હતા. તે સિવાય અશહ્ય ઠંડીના કારણે શરદી ખાંસીની બિમારીમાં વધારો નોેંધાયો હતો. દિવસ દરમ્યાન દક્ષિણ દિશા તરફથી પાંચ કિ.મી.ની ઝડપે ઠંડા પવન ફૂંકાયા હતા.આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૨૬ ડીગ્રી સેન્ટીગ્રેડ ની સાથે લધુત્તમ તાપમાનમાં ૧.૮ ડીગ્રી સેન્ટીગ્રેડના ઘટાડા સાથે તાપમાન ૧૧.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે જ વહેલી સવારે ભેજનું પ્રમાણ ૮૬ ટકાની સાથે સાંજે ૪૧ ટકા નોંધાયું હતું. વાતાવરણમાં હવાનું દબાણ ૧૦૧૨ મીલબાર્સ નોંધાયું હતું.