વડોદરા : શહેરના ડભોઇ રોડ પર કપુરાઇ ચાર રસ્તા પાસે દબાણો દૂર કરવા ગયેલા શાખાના અધિકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. સ્થાનિક લોકોએ કોર્પોરેશનની દબાણ શાખા અને અધિકારીઓ સામે બિલ્ડરોના ઇશારે દબાણો તોડવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને રોષ વ્યક્ત કર્યો હતો.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી રસ્તારેષામાં આવતાં દબાણો દૂર કરવાની ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત આજે દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ડભોઇ રોડ ઉપર આવેલ કપુરાઇ ચાર રસ્તા પાસેના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે પહોંચી હતી. દબાણ શાખાની સાથે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ પણ જાેડાયા હતા, તે સાથે પોલીસનો કાફલો પણ જાેડાયો હતો.

દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે કપુરાઈ ચાર રસ્તા પર પહોંચતાંની સાથે સ્થાનિક લોકો આવી પહોંચ્યા હતા અને દબાણો તોડવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. જાે કે દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ રાખી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા દબાણો તોડવા અંગેની કોઈપણ જાતની નોટિસ આપવામાં આવી નથી. છતાં આજે દબાણ શાખા દબાણો દૂર કરવા આવી પહોંચી હતી.

સ્થાનિક લોકોએ આક્ષેપ મૂક્યો હતો કે દબાણ શાખાની ટીમ બિલ્ડરોના દબાણ હેઠળ અને ઇશારે દબાણો તોડી રહી છે.

કોર્પોરેશન દ્વારા શહેરના અન્ય વિસ્તારોના બદલે કપુરાઈ ચાર રસ્તા પાસેના જ અવારનવાર દબાણો તોડવા માટે આવી પહોંચતા હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો. દબાણ શાખાની ટીમ અને સ્થાનિક લોકો વચ્ચે થયેલ ઘર્ષણ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસે ટોળે વળેલા લોકોને દૂર કરી દીધા હતા. આ માટે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા કપુરાઇ ચાર રસ્તા પાસે આવેલ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.