ભરૂચ, ગુજરાત સરકારે પહેલા બોર્ડના વિદ્યાર્થીઓ ના ઓફલાઇન વર્ગો શરૂ કરાવ્યા બાદ ધોરણ ૯ અને ૧૧ અને હવે કોલેજના વિદ્યાર્થીઓ માટે ઓન કોલેજના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહર ઉઠી છે. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્‌સ એન્ડ સાયન્સ કોલેજમાં આજ થી કોવિડ ગાઈડ લાઈન સાથે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના વર્ગોની શરૂઆત થઈ હતી.

કોરોના મહામારી વચ્ચે છેલ્લા આઠ મહિનાથી સમગ્ર ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય બંધ હતું. શાળા કોલેજ માટે ઓનલાઇન શિક્ષણ શરૂ થયું હતું. કોરોનાનું જાેર ઘટતા સરકારે ધીરે ધીરે કોવિડ ગાઈડ લાઈન સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કરવા છૂટ આપી છે. પ્રથમ તબક્કામાં ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કરાયા હતા. ત્યાર બાદ ધોરણ ૯ અને ૧૧ ના વર્ગો અને હવે કોલેજના વર્ગો શરૂ કરવા માટે મંજૂરી આપતા આઠ મહિનાના લાંબા સમયગાળા બાદ ફરી શાળા કોલેજ ધમધમતા થશે.

સરકારની કોવિડ ગાઈડ લાઈન સાથે આજથી ભરૂચમાં પણ કોલેજના વર્ગો શરૂ થતા વિદ્યાર્થીઓમાં આનંદની લહર ઉઠી છે. આઠ મહિના બાદ ફરી કોલેનું કેમ્પસ અને વર્ગો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્‌યા હતા. ભરૂચમાં આઠ મહિનાના લાંબા સમયગાળા બાદ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ પહેલી વખત કોલેજના વર્ગનો રોમાંચ અનુભવ્યો હતો.ધોરણ ૧૨ પાસ કર્યા બાદ પ્રથમ વખત કોલેજના વર્ગમાં આવનાર શિવાનીએ પોતાની ખુશી વ્યક્ત કરી. ઓનલાઇન વર્ગ કરતા ઓફ લાઈનમાં સારું શિક્ષણ મળવાની વાત કરી હતી. તો જયેન્દ્રપુરી આર્ટ્‌સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સીપલ નીતિન પટેલે કહ્યું હતું કે કોવિડ ગાઈડ લાઇનના પાલન સાથે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના વર્ગોની શરૂઆત થઈ છે. ઓનલાઇન કોલેજનો તમામ કોર્ષ પૂરો કરવામાં આવ્યો હતો. આગામી ૧૮ ફેબ્રુઆરીથી પરીક્ષા છે. એટલે વિદ્યાર્થીઓની હાજરી ઓછી રહેશે. કોવિડ ગાઈડ લાઇનના પાલન માટે વર્ગોમાં ઝીગ ઝેગ બેઠક વ્યવસ્થા રાખી છે. તમામ વિદ્યાર્થીઓને પણ માસ્ક પહેરીને વર્ગમાં આવવાની સૂચના અપાઈ છે.