વડોદરા

સૈયદ મુસ્તાક અલી ટી-ર૦ ટુર્નામેન્ટ શરૂ થવાના એક દિવસ પૂર્વે પ્રેક્ટિસ દરમિયાન બરોડાની ટીમના કપ્તાન કૃણાલ પંડયા અને વાઈસ કેપ્ટન દીપક હુડા વચ્ચે થયેલ વિખવાદ બાદ દીપક હુડાએ ટીમમાંથી પોતાનું નામ પરત લેવાની ઘટનામાં બીસીએ સત્તાધીશોએ કોઈપણ તપાસ વગર હુડાએ શિસ્તભંગ કર્યાનું જણાવી કૃણાલ પંડયાને ક્લીનચિટ આપી દેવાતાં ક્રિકેટ વર્તુળોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા છે, સાથે હુડા કોઈ ચોક્કસ ષડ્‌યંત્રનો ભોગ બન્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું બીસીએના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

વડોદરાના ત્રણ ગ્રાઉન્ડ રિલાયન્સ મોતીબાગ અને એલેમ્બિક ગ્રાઉન્ડ પર આજથી સૈયદ મુસ્તાક અલી ટી-ર૦ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. એલિટ ગ્રૂપ-સીની બરોડા સહિત છ ટીમો વચ્ચે ૧૫ મેચો વડોદરામાં રમાનાર છે. બીસીસીઆઈની ગાઈડલાઈન મુજબ બરોડા સહિત તમામ ટીકાન પ્લેયરોને વડોદરાની બે હોટલોમાં એકોમોડેશન આપવામાં આવ્યું છે અને કોવિડ ટેસ્ટ બાદ પ્રેક્ટિસ માટે મંજૂરી આપવામાં આવી હતી. શનિવારે બરોડાની ટીમ રિલાયન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ કરી રહી હતી, દરમિયાન કેપ્ટન કૃણાલ પંડયા અને વાઈસ કેપ્ટન દીપક હુડા વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થતાં નારાજ થઈ દીપક હુડા નીકળી ગયો હતો અને તેની સાથે અયોગ્ય વ્યવહાર કપ્તાન દ્વારા કરાયો હોવાનું જણાવી ટીમમાંથી નામ પરત લેવાની જાણ બીસીએને કરી હોટેલની રૂમ પણ છોડી દેતાં ખળભળાટ મચી ગયો હતો. જાે કે, બીસીએ દ્વારા શનિવારે સત્તાવાર રીતે આ અંગે ચુપકીદી સેવી સત્તાવાર રીતે કંઈ પણ જણાવ્યું નહોતું.

પરંતુ આજે બીસીએ દ્વારા કોઈપણ તપાસ વગર કૃણાલ પંડયાને જાણે ક્લીનચિટ આપી હોય તેમ વાઈસ કેપટન તરીકેની જવાબદારી નિભાવવામાં તે નિષ્ફળ રહ્યાનું જણાવી ટીમને છોડી દેવી એ તેની ભૂલ છે અને આવી ગેરશિસ્ત યોગ્ય નથી તેમ જણાવી ટીમમાંથી બહાર નીકળીને હુડાએ પોતે ટીમથી ઉપર હોવાનું બતાડયું છે અને એસોસિયેશન ટીમ મેનેજમેન્ટ અને કપ્તાન કૃણાલ પંડયાના સમર્થનમાં હોવાનું જણાવ્યું હતું.

આમ બંને વચ્ચેના વિવાદની કોઈપણ તપાસ વગર જાણે હુડા દોષી હોય સાથે હુડા ચોક્કસ ષડ્‌યંત્રનો ભોગ થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે બીજી તરફ વર્ષમાં છ મહિના ગાયબ રહેતા કૃણાલ પંડયાના ઈશારે ટીમ ચાલતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે બીસીએ મેનેજમેન્ટના વિવાદો બાદ હવે ક્રિકેટ ફિલ્ડ પર બે સિનિયર ક્રિકેટરો વચ્ચે થયેલા વિવાદમાં પણ હવે પડદો પાડી દે છે કે પછી તપાસ કરશે તે જાેવાનું રહ્યું!