વડોદરા

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ર્નિભયપણે અને કોઈપણ પ્રકારના રાજકીય દબાણ વિના ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવાનું જારી રાખવામાં આવ્યું છે. જેને લઈને ખોટી રીતે દબાણ કરનારાઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે. પાલિકાની દબાણ શાખાના વાળા ડો.મંગેશ પી.જયસ્વાલના માર્ગદર્શન હેઠળ દબાણ શાખાની વિવિધ ટુકડીઓ દ્વારા શહેરમાં ચોમેર પથરાયેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો પર બુલડોઝર-જેસીબી ફેરવવાનું જારી રહ્યું છે. ૧૩ ડિસેમ્બર પહેલા દબાણ શાખાની ટીમ માત્રને માત્ર પાલિકાના ટીપી ૧૩ વિસ્તારમાંથી જ દબાણો હટાવે છે. એવી છાપ ઘણા લાંબા સમયથી પ્રવર્તી રહી હતી. જેને ભુંસવાને માટે ૧૩ ડિસેમ્બર પછીથી પાલિકાની દબાણ શાખાની ટીમ સતત પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં શહેરમાં એક જ દિવસમાં ત્રણ ત્રણ અલગ અલગ વિસ્તારોમાં દબાણોનો સફાયો કરનાર દબાણની ટીમ દ્વારા સંગમ વિસ્તારમાં આવેલ કાચા પાકા મકાનો અને ગેરકાયદેસર બાંધકામનો સફાયો કરવામાં આવ્યો છે. જેમાં શહેરના સંગમ વિસ્તારમાં આવેલ રામેશ્વર સોસાયટી પાસે નાગેશ્વર મંદિરની બાજુમાં શ્રીજી એપાર્ટમેન્ટ ખાતે અને ટીપી ૭ પૂર્વ ઝોનમાં નાડીયા ખાડી વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલ અને મકાનનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. દબાણ શાખાની ટીમ દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બંધાયેલા કાચા પાકા મકાનો અને અન્ય બાંધકામોને જેસીબીની મદદથી દૂર કરીને જમીનદોસ્ત કરાયા હતા. આ કામગીરી જાેવાને માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.