વડોદરા, તા.૨૮

વડોદરા શહેર નજીક નંદેસરી જીઆઈડીસીમાં આવેલ કેમિકલ કંપનીએ હેઝાર્ડસ વેસ્ટને ગેરકાયદે રીતે નિયમો અને જાેગવાઈઓનો ભંગ કરી ટેન્કરમાં મોકલવામાં આવેલ ટેન્કર અમદાવાદના વટવા નજીક ઝડપાતાં જીપીસીબી દ્વારા નંદેસરી નોટિફાઈડ એરિયામાં આવેલ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી રૂા.રપ લાખનો દંડ પણ કરવામાં આવ્યો હોવાનું વડોદરા જીપીસીબીના ડાયરેકટરે જણાવ્યું હતું.

હેઝાર્ડસ વેસ્ટ અમેડમેન્ટ રૂલ્સ ૨૦૧૬ નું પાલન કરવા માટે સરકાર દ્વારા વારંવાર ઉદ્યોગોને માહિતગાર કરવામાં આવે છે. તેમ છતાં અનએથિકલ રીતે હેઝાર્ડસ વેસ્ટનો નિકાલ કરવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આવા અવારનવાર કિસ્સાઓ બને છે તેમ છતાં ઉદ્યોગના માલિકોની જાગૃત થતા નથી. થોડા સમય અગાઉ જ સુરત નજીક ઝેરી કેમિકલના નિકાલ કરવામાં છ જેટલા શ્રમજીવીઓના મોત નીપજ્યાં હતાં. વડોદરાના નંદેસરી અને પાદરાના ઉદ્યોગ દ્વારા પણ આવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના વટવા પાસે હેઝાર્ડસ વેસ્ટ સ્પેન એસિડ વેસ્ટ ભરેલ ટેન્કર શિવમ્‌ એડિટિવઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક હનુમાનગઢ રાજસ્થાન ખાતે મોકલવા માટેની બિલ્ટી બનાવીને મોકલવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવતાં અને ટેન્કર નંદેસરી નોટિફાઈડ એરિયામાં આવેલ હરિ ઓર્ગો કંપનીની હોવાનું જાણવા મળતાં જીપીસીબીના ડાયરેકટર આર.બી.ત્રિવેદીએ એન્વાયરમેન્ટ પ્રોટેકશન એક્ટ ઈપીએ હેઠળ હરિ ઓર્ગોકેમ કંપનીને એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પેશેસન હેઠળ ઈડીસી રૂા. રપ લાખનો દંડ અને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી. જીપીસીબી દ્વારા હરિ ઓર્ગોકેમ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવતાં અન્ય કેમિકલ કંપનીના સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.