કોરોનાના લીધે આખી દુનિયામાં ક્લબ ક્રિકેટ લગભગ બંધ છે. ઈંગ્લેન્ડમાં પણ હજુ તેની શરૂઆત થઈ નથી. 1 ઓગસ્ટથી કાઉન્ટી ક્રિકેટની શરૂઆત થઈ શકે છે. આપણાં દેશમાં પણ હજુ ખેલાડીઓની ટ્રેનિંગ શરૂ થઈ શકી નથી. આ બધાની વચ્ચે જર્મનીમાં એક મહિનાથી ક્લબ ક્રિકેટની શરૂઆત થઈ ચૂકી છે. જોકે, અહીં વન-ડે આયોજન બંધ છે, જેના કારણે ટી20 લીગ મેચ રમાઈ રહી છે.

દેશના 16માંથી 14 રાજ્યમાં ક્રિકેટ શરૂ થઈ ચૂક્યું છે. જેમાં 8 ટીમને સામેલ કરાઈ છે. મેચને ઘરેલુ મેદાન પર જ રમાડવામાં આવી રહી છે, જેથી ખેલાડીઓને વધુ મુસાફરી ન કરવી પડે. જર્મનીમાં ક્રિકેટને કોન્ટેક્ટ સ્પોર્ટ્સમાં સામેલ કરાઈ નથી. આથી, તેના આયોજનની મંજૂરી મળી ગઈ છે. દેશમાં છેલ્લા 6 વર્ષમાં ક્લબની સંખ્યામાં 5 ગણો વધારો થયો છે.

જર્મની ક્રિકેટ ફેડરેશનના ચીફ એક્ઝીક્યુટિવ બ્રાયન મેન્ટલેએ કહ્યું, ‘અમારા વિશેષજ્ઞોએ જણાવ્યું કે, આ સ્પોર્ટ્સથી કોરોના ફેલાવાની આશંકા નથી. અમારે ત્યાં ક્રિકેટને નોન-કોન્ટેક્ટ સ્પોર્ટ્સમાં સામેલ કરાઈ છે. અમે આયોજન માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ પણ બનાવ્યા છે’. દેશમાં ક્રિકેટનું ચલણ વધી ગયું છે. અહીં ખેલાડીઓ મોટાભાગે હેલમેટ બદલતા હતા, પરંતુ હવે તેમાં પરિવર્તન આવ્યું છે. હવે હલમેટને બીજા ખેલાડીને આપતા પહેલા સેનિટાઈઝ કરવામાં આવે છે. દરેક ઓવર પછી એમ્પાયર બોલને પણ સેનિટાઈઝ કરે છે. ફિલ્ડિંગની પોઝિશનને પણ એડજસ્ટ કરાઈ છે. સ્કવેર લેગ અમ્પાયરથી 1.5 મીટર દૂર ઊભો રખાય છે. વિકેટકીપરને સ્ટમ્પની પાસે કીપિંગની મંજૂરી નથી. ગળે મળવા પર પ્રતિબંધ છે.

મેન્ટલેએ કહ્યું કે, દેશમાં અફઘાનિસ્તાનનાં શરણાર્થીઓ વધતાં ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં મદદ મળી છે. 6 વર્ષમાં ક્લબની સંખ્યા 70થી વધુ 370 થઈ ગઈ છે. મહિલા ક્રિકેટ પણ વધ્યું છે. 

ઈન્ટરનેશનલ ટી20 રેન્કિંગની વાત કરીએ તો મહિલાનું રેન્કિંગ 27, જ્યારે પુરુષોનું 33 છે. તેમણે કહ્યું કે, 2026 ટી20 વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા 20 થઈ શકે છે. આથી, અમારા વર્લ્ડ કપ રમવાની આશા વધશે. તમે વિચારો જર્મની વર્લ્ડ કપ રમતું હશે. આઈસીસીના નવા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત નવા દેશોને પણ રમવાની તક મળી રહી છે. મેન્ટલે કહ્યું કે, દેશમાં અત્યાર મોટાભાગે ફૂટબોલ મેદાન છે.