જામનગર-

ગુજરાતનું કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તે રીતે મહામારી પર અંકુશ મેળવવા રાજ્ય સરકારે સક્રિય પ્રયત્નો હાથ ધર્યા છે. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોનાની સમીક્ષા કરવા માટે ભાવનગર અને જામનગરની મુલાકાતે પહોંચ્યા છે. હાલ વિજય રૂપાણી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાની જાણકારી મેળવી રહ્યા છે.

જામનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ દરરોજ વધુને વધુ કેસો સામે આવી રહ્યા છે. અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના ૯૫૫થી વધુ કેસો નોંધાઇ ચુક્યા છે. ૬૦ દર્દીના ભોગ પણ લેવાયા છે. જેને પગલે તંત્ર ચિંતામાં ગરક થઈ ગયું છે. જામનગરની પરિસ્થિતિ કાબુ બહાર જતા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જામનગર દોડી ગયા છે. ત્યાં તેઓએ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર સ્થિતિની ઝીણવટભરી વિગતો મેળવી છે.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સાથે તેમના સચિવોનું હાઇપાવર ડેલીગેશન પણ જોડાયું છે. તમામે સ્થાનિક અધિકારીઓ સાથે બેઠકમાં જિલ્લાને કોરોનામાંથી ઉગારવાની વ્યૂહરચના પણ ઘડી છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક બાદ મુખ્યમંત્રી તેમના હાઈપાવર ડેલીગેશનની સાથે હોસ્પિટલની મુલાકાત લ્યે તેવી પણ શકયતા જોવા મળી રહી છે.