અમદાવાદ-

રાજયની પાંજરાપોળો પોતાના પશુધનના નિભાવ માટે ઘાંસચારાનું પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી શકે તે માટે નવી સ્વાવલંબી આત્મનિર્ભર યોજના પાંજરાપોળો માટે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત ટયુબવેલ, સોલાર, ઇલેકટ્રીકલ પેનલ ગ્રીન ફોડર બેલર-ચાફકટર, ઇરીગેશન સીસ્ટમ રેઇનગન કે સ્પ્રીન્કલર તેમજ પાણીની પાઇપ લાઇન માટે પાંજરાપોળને ખાસ સહાય મળશે.

રાજયના પાંજરાપોળ સંચાલકો મહાજનોએ પાંજરાપોળના રખ રખાવમાં રખાયેલા પશુધનને ઘાંસચારો મેળવવામાં પડતી મુશ્કેલી અંગે કરેલી રજુઆતનો સકારાત્મક પ્રતિસાદ આપી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પાંજરાપોળોને સ્વાવલંબી આત્મનિર્ભર બનાવવા આ ખાસ યોજના જાહેર કરેલ છે. જેથી હવે રાજયની રજીસ્ટર્ડ પાંજરાપોળો પોતાની માલિકીની જમીનને ખેતીલાયક બનાવી પાણી, ખાતર અને બિયારણની ઉપલબ્ધતા દ્વારા પોતાની રીતે ઘાંસચારો ઉગાડી તેમની પાંજરાપોળમાં નભતા પશુધનને પૂરો પાડી શકશે. 

આ યોજના અંતર્ગત પોતાની માલિકીની જમીન ધરાવતી આ યોજનાનો લાભ મળશે. જેમાં ટયુબવેલ માટે રૂા.10 લાખ સુધીની સહાય 1 થી 10 હેકટર જમીન ધરાવતી રજીસ્ટર્ડ પાંજરાપોળને મળી શકશે. તેમજ સૌર ઉર્જાના ઉપયોગથી વીજ બીલમાં રાહતના અભિગમ સાથે સોલાર ઇલેકટ્રીક પેનલ માટે રૂા.8 લાખની મર્યાદામાં સહાય અને ચાફકટર માટે 1.25 લાખ સુધીની સહાય મળશે. આ ઉપરાંત ઉગેલા ઘાસની ગાંસડી બાંધી સ્ટોરેજ માટે ગ્રીન ફોડર બેલર માટે મહત્તમ રૂપિયા 3.50 લાખ સહાય, 4 થી 10 હેકટર જમીન ધરાવતી પાંજરાપોળોને અપાશે. 

સ્પ્રિન્કલર ઇરીગેશન સિસ્ટમ માટે વધુમાં વધુ પાંચ લાખ સહાય રેઇન ગન ઇરીગેશન સિસ્ટમ માટે રૂા.35 હજારથી 1.05 લાખ સુધી સહાય અપાશે. આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરીને આ યોજનાનો લાભ મેળવી શકાશે.