રાજકોટ-

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ૫ મહિના બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા છે. કલેક્ટર કચેરીમાં કોરોનાની મહામારીને કલેક્ટર, કમિશનર, કે.કૈલાશનાથન, અનિલ મુકિમ, જયંતિ રવિ, સાંસદ રમેશ ધડુક સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે. મહત્વનું છે કે સીએમ રૂપાણીના આગમન પહેલા જ આજે રાજકોટમાં કોરનાથી ૯ લોકોના મોત નિપજ્યા છે. બીજી તરફ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. મોતના આંકડામાં જાેવા મળતી વિસંગતતા અંગે મુખ્યમંત્રીએ જવાબ માગ્યો છે.

રાજકોટ શહેરના ત્રણ ધારાસભ્યો મિટિંગમાં હાજર રહ્યા છે. ધારાસભ્યો સાથે રાજકોટ શહેરની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે. ત્રણ ધારાસભ્યોમાં ગોવિંદ પટેલ, લાખા સાગઠિયા અને અરવિંદ રૈયાણીએ બેઠકમાં હાજરી આપી છે. મનપા અને સિવિલ હોસ્પિટલમાં આંકડાની વિસંગતતા અંગે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આંકડા મુજબ રાજકોટ શહેરમાં કોરોનાને લીધે ૩૬ મોત થયા છે. બીજી તરફ મનપા કમિશનર કહી રહ્યા છે માત્ર ૨૪ મોત થયા છે અને તેમાંથી કોરોનાના લીધે ૯ના મોત થયા છે.

મુખ્યમંત્રી અને અધિકારીઓ વચ્ચે બેઠક ચાલુ છે. બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા તમામ આંકડાકીય માહિતી માંગવામાં આવી છે.કોરોના ડેથ અંગે મુખ્યમંત્રી દ્વારા જવાબ માંગવામાં આવ્યો છે. આંકડામાં જાેવા મળતી વિસંગતતા અંગે પણ મુખ્યમંત્રીએ જવાબ માંગ્યો છે. ડેથ ઓડિટ બાબતે પણ મિટિંગમાં વિગત મંગાવવામાં આવી છે. મિટિંગમાં જિલ્લા કલેકટર, મનપા કમિશનર, જિલ્લાના આરોગ્ય અધિકારી, સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડા હાજર રહ્યા છે.