વડોદરા, તા.૪  

કોરોના મહામારીને કારણે આ વર્ષે વડોદરા મેરેથોન વચ્ર્યુઅલ યોજાઈ રહી છે. તા.૪થી ૧૦મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર વડોદરા મેરેથોનનો મુખ્યમંત્રીએ લીલીઝંડી બતાવી વચ્ર્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. આ વર્ષે પણ મેરેથોનમાં હજારો દોડવીરો વચ્ર્યુઅલમાં ભાગ લઈ રહ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, વિશ્વભરમાં આજે લોકો શારીરિક અને માનસિક રીતે કોરોના મહામારી સામે લડી રહ્યા છે. એટલું જ નહીં, કોરોનાએ આપણી જીવનશૈલી બદલી નાખી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર હાથ ધોવા જેવી બાબતો હવે રોજિંદા જીવનનો ભાગ બની ગયો છે. તેમણે ઉમેર્યું કે, મેરેથોન વડોદરાની આગવી ઓળખ બનવા સાથે વડોદરાના સામાજિક જીવનની સ્વચ્છતા અને સ્કૂર્તિની મિશાલ પણ બની છે. ભૂતકાળમાં યોજાયેલ તમામ મેરેથોન દોડ શહેરને લગતા સામાજિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને યોજવામાં આવી હતી જે પ્રશંસનીય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી આજે સતત ચોથીવાર એમજી વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોનનો લીલીઝંડી આપી વચ્ર્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. આ વર્ષની મેરેથોન પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ, મેડિકલ, પેરામેડિકલ, ઈમરજન્સી, આવશ્યક સેવાઓના કર્મચારીઓ અને કોરોનાગ્રસ્ત તેમજ કોરોના સામે જંગ જીતેલા ઉપરાંત કોરોના મહામારીમાં પોતાની મહામૂલી જિંદગી ગુમાવનાર દરેક વ્યક્તિઓને સમર્પિત છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યુ કે, વડોદરામાં યોજાતી આ દેશની એકમાત્ર મેરેથોન છે જે ફોર પીપલ, બાય પીપલ અને ઓફ પીપલને લક્ષમાં રાખી યોજવામાં આવે છે જેને કારણે વડોદરા મેરેથોન દેશના અન્ય શહેરોમાં યોજાતી મેરેથોન કરતાં અલગ બની રહી છે. મુખ્યમંત્રીએ કોરોના મહામારી સામે લડવા શારીરિક તંદુરસ્તી મહત્ત્વની છે ત્યારે નાગરિકો યોગાસન, મોર્નિંગ વોક, ઈનડોર-આઉટડોર જેવી રમતો રમે એ પણ જરૂરી છે. આ પ્રસંગે મેરેથોન આયોજન સમિતિના તેજલ અમીન સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.