ગાંધીનગર-

મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં 60 ટકાથી વધુ કોરોનાના કેસ છે. કોર્પોરેશનના પદાધિકારીઓ કોરોના નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવશે તો ગુજરાતમાં કોરોના  નિયંત્રણમાં આવશે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સતત પ્રજાના હિતમાં અનેકવિધ પગલાં-નિર્ણય કરી રહી છે. ત્યારે કોરોનાની ટેસ્ટિંગથી ટ્રીટમેન્ટ સુધીની વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્પોરેશનના ચૂંટાયેલા પદાધિકારીઓ-અધિકારીઓને મુખ્યમંત્રીએ ગાંધીનગરથી અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યના આઠ મહાનગરપાલિકાઓમાં કોરોનાની કામગીરીની સમીક્ષા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, કોરોના મહામારી ગુજરાત તથા ભારત સહિત સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહી છે. ભારતમાં ગઈકાલે એક જ દિવસમાં ૧,૬૦,૦૦૦ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં અગાઉ દૈનિક ૩૦૦ કેસને બદલે અત્યારે ૬,૦૦૦ થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. એટલે કે થોડા સમયમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે.

કોરોનાની પહેલી લહેરમાં લૉકડાઉન દરમિયાન હોસ્પિટલો, સારવારની વ્યવસ્થા, દવાઓ, ડૉકટર અને મેડિકલ સ્ટાફ તેમજ શ્રમિકોના અનેક પ્રશ્નો આપણી સામે હતા. જયારે અત્યારે કોરોનાની બીજી લહેરમાં લૉકડાઉન નથી પરંતુ કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે તેના પર નિયંત્રણ લાવવા માટે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર, ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં વધારો, હોસ્પિટલોમાં નવા બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા, રેમડેસિવિર ઈન્જેક્શન સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે. ત્યારે અનેક પડકારો ઝીલીને આપણે સાથે મળીને સંક્રમણ આગળ વધતુ અટકાવવું પડશે તેમ તેમણે ઉમેર્યું હતુ.

મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, નવા ચૂંટાયેલા પદાધિકારીઓ- પ્રતિનિધિઓ માટે કોરોના કાળમાં સેવા કરવાની ઉત્તમ તક છે તે જવાબદારી આપણે નિભાવવાની છે. છેલ્લાં ૧૫ દિવસમાં ગુજરાતમાં સરકારે દિવસ-રાત એક કરીને કોરોનાન નિયંત્રણ અને કોઈ સંક્રમિત સારવાર વિનાનો ન રહે તે માટે ૧૮,૦૦૦ નવા કોરોના બેડ ઉભા કર્યાં છે. ગુજરાત સરકારે કોરોનાની સારવાર માટે વિવિધ હોસ્પિટલોને મંજૂરી, રેમડેસિવિર ઈન્જેક્શન, વેક્સિનેશન તેમજ મેડિકલ સ્ટાફ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં કરી છે.