રાજકોટ-
માઉન્ટ આબુમાં ફરીથી ઠંડીએ જાેર પકડયું છે. સોમવારે માઈનસ ૦.૫ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. માઉન્ટ આબુમાં ફરીથી શીતલહેર પ્રસરતાં ઠંડા પવનના સુસવાટા વચ્ચે માઉન્ટ આબુની ઘાટીઓમાં વાતાવરણ ઠંડુંગાર થઈ જવા પામ્યું છે. સહેલાણીઓ હાડ થિજાવતી ઠંડી વચ્ચે પણ માઉન્ટ આબુના જાેવાલાયક સ્થળે ઊમટી રહ્યા છે. માઉન્ટ આબુના સૌથી ઊંચા ગુરુશિખર પર તાપમાનનો પારો માઇનસ બે ડીગ્રી નોંધાયો છે. નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો જાેવા મળ્યો છે. રાજ્યમાં ઠંડીનું જાેર વધશે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ મંગળવાર, બુધવાર અને ગુરુવારે સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં અને કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે. આ વિસ્તારોમાં હાડ થિજાવતી ઠંડી પડશે.
જાન્યુઆરી મહિનામાં ઠંડીનું જાેર વધશે. અમદાવાદ શહેરમાં જાન્યુઆરી માસમાં લઘુતમ તાપમાનનો પારો ૯ ડીગ્રીથી નીચે ગગડવાનો સિલસિલો રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં નજીવો ઘટાડો થયો છે. રાજ્યના મોટા ભાગનાં શહેરોનો લઘુતમ તાપમાનનો પારો ઊંચકાયો છે, જેને કારણે ઠંડી ઘટી છે. સોમવારે અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન ૧૨.૮ ડીગ્રી નોધાયું હતું. ડીસાનું લઘુતમ તાપમાન ૧૧.૩ ડીગ્રી અને ગાંધીનગરનું ૧૧.૫ ડીગ્રી નોધાયું હતું. જાેકે છેલ્લાં ૧૦ વર્ષના આંકડા અને હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ જાન્યુઆરી માસમાં ઠંડીનું જાેર વધશે. ભરશિયાળે હવામાનમાં પલટો આવતાં ઉત્તર ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સોમવારે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો ચિંતાતુર થયા હતા.
આ સિવાય સુરતના ચીખલી અને ખેરગામમાં પણ આજે માવઠું થતાં શેરડીની કાપણી માટે આવેલા શ્રમિકોની સ્થિતિ કફોડી બની હતી. ભરશિયાળે કમોસમી વરસાદ વરસતાં વરિયાળી, ચણા, બટાકા, જીરું સહિતના પાકને નુકસાની થવાની ભીતિ સર્જાઈ છે. સોમવારે બપોરે પોશીના પંથકમાં માવઠું થયું હતું. જાન્યુઆરીમાં પણ કમોસમી વરસાદને કારણે રવીપાક, ચીકુ, કેરી, શાકભાજી સહિતના ખેતી પાકોને નુકસાનની ભીતિને પગલે જગતનો તાત ચિંતાતુર બન્યો છે. કમોસમી વરસાદને પગલે આવનારી સીઝનમાં કેરીના પાકને મોટે પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
Comments