દેવગઢબારિયા

દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ આજે જિલ્લા સેવા સદનમાં અહીંની સ્વેચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સામાજિક-ધાર્મિક અગ્રણીઓ સાથે કોરોના વાયસર પ્રતિકારક રસી બાબતે બેઠક યોજી હતી અને તેમાં રસીકરણ બાબતે માહિતી આપી લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.

બેઠકમાં કલેક્ટર ખરાડીએ જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની સૂચના મુજબ વેક્સીનેશન માટેની કોલ્ડ ચેઇન, તેનું લોજીસ્ટીક સહિતની બાબતોની દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્વારા ૫૦ વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા લોકોની યાદી તૈયાર કરવા માટે સર્વે કરવામાં આવ્યો છે અને આવા લોકોની યાદી તૈયારી કરવામાં આવી છે. તેમાં કોમોરબિડ વ્યક્તિઓની પણ યાદી તૈયાર કરવામાં આવી છે. રસી આવે તે બાદ સર્વ પ્રથમ દાહોદ જિલ્લાના આરોગ્યકર્મીઓને રસી આપવામાં આવશે. એ બાદ પોલીસ સહિતના વિભાગોના ફ્રન્ટ લાઇન વોરિયર્સનું રસીકરણ કરવામાં આવશે. તે બાદ મોટી ઉંમરના કોમોરબિડ વ્યક્તિને રસી આપવામાં આવશે. એ રીતે આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે નવી બાબત આપણી સામે આવે ત્યારે તેના અંગે તરહ તરહની ચર્ચા થતી હોય છે. નવી બાબતો અપનાવતા પહેલા નાગરિકો તેનો પ્રતિકાર પણ કરતા હોય છે. ત્યારે, રસીકરણની કોઇ પણ અફવાથી ગભરાવાની જરૂર નથી. માત્ર અધિકૃત માહિતી ઉપર જ વિશ્વાસ કરવો. દાહોદના કાઝીશ્રીએ પોતાના અનુભવો જણાવતા કહ્યું કે, દાહોદમાં આ પૂર્વે લોકોએ પોલિયોની રસી સામે પ્રતિકાર કર્યો હતો.