અમદાવાદ-

મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદિની ર્દિધદ્રષ્ટી અને સમયબદ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે વિવિધ મહેસૂલી સુધારાઓ કર્યા છે. જેના ખૂબ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્યમાં ગણોત કાયદાઓમાં ક્રાંતિકારી મહેસૂલી સુધારાનો અભિગમ અપનાવી ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વધુ વેગવાન બનાવવાનો માર્ગ સરળ કર્યો છે. ગુજરાત રાજ્ય ઔદ્યોગિક રીતે ખૂબ જ વિકસિત રાજ્ય છે. તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યો પૈકીનું એક રાજ્ય પણ છે. જેના કેન્દ્રમાં જમીન એક અગત્યનું પરીબળ છે.

રાજ્યમાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિકાસની વ્યાપક તકો ખૂલે તે માટે ઔદ્યોગિક મૂડી રોકાણો આકર્ષિત કરવા અંગે ધ્યાને રાખીને ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) વિધેયક-૨૦૨૦ રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રીએ આ સુધારા વિધેયક રજૂ કરતાં જણાવ્યું હતું કે, ‘આ સુધારા વિધેયકથી ગણોતધારામાં નવી ઉમેરાયેલી કલમ-૬૩-કકકથી સમગ્ર રાજ્યમાં હવે કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, શિક્ષણ, તબીબી શિક્ષણ કે આરોગ્ય જેવાં હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી નહીં લેવી પડે. આવી જમીનની ખરીદિ કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે. ભૂતકાળમાં આવી જમીનની ખરીદિ માટે બિનખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓએ જિલ્લા કલેક્ટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ ક્લિયરન્સ, ઇન્સ્પેક્શન વગેરેમાં જતો સમય અને પ્રોજેકટ શરૂ કરવામાં થતા વિલંબની સમસ્યાનો હવે આ નવી ક્રાંતિકારી વ્યવસ્થાથી અંત આવશે. મહેસૂલ મંત્રીએ ઉમેર્યુ હતુ કે, ‘ગુજરાત મેડિકલ-એન્જિનિયરીંગ અને વ્યવસાયિક શૈક્ષણિક ક્ષેત્ર સાથે-સાથે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સ સહિતનું હબ બન્યું છે. ત્યારે મુખ્યમંત્રીએ કૃષિ, પશુપાલન યુનિવર્સિટી તેમજ તબીબી-ઇજનેરી શિક્ષણ અને અન્ય શૈક્ષણિક હેતુઓ માટે સરળતાએ જમીન ઉપલબ્ધ થઇ શકે તેવા ઉદાત્ત ભાવથી રાજ્યમાં હોલિસ્ટીક ડેવલપમેન્ટની નવી દિશા ખોલી આપી છે.