વડોદરા : કોરોનાકાળમાં ભારતીય વાયુસેનાએ મકરપુરા વાયુદળ ક્ષેત્રના કેન્દ્રિય વિદ્યાલય ખાતે ૧૦ દિવસની ભરતી રેલીની કામગીરી શરૂ કરી છે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના સહકાર અને સ્થાનિક રોજગાર કચેરીના સંકલનથી ભારતીય વાયુદળે એરમેન શ્રેણીમાં લાયકાત પ્રમાણે માનવસંપદાની પસંદગી માટે તેનું આયોજન કર્યું છે જેમાં સ્થાનિક પોલીસ પણ સહયોગ આપી રહી છે. 

આ ભરતીની પ્રારંભિક પ્રક્રિયાઓ ઓનલાઇન હાથ ધરવામાં આવી હતી અને ઓનલાઇન મળેલી અરજીઓની ચકાસણી કરીને લાયકાતો સાથે સુસંગત ઉમેદવારોની તારવણી કરી એમને ઓનલાઇન કોલ લેટર મોકલવામાં આવ્યા હતા. રાજ્યના તમામ જિલ્લાઓ અને દીવ, દમણ અને દાદરા અને નગર હવેલી સંઘ પ્રદેશોના લાયક જણાયેલા ઉમેદવારોને તા.૨૩મીથી ૪થી ઓકટોબર સુધી વચ્ચે બે રજાના દિવસો બાદ કરતાં રોજેરોજ તબક્કાવાર ભરતીની પ્રક્રિયા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

વડોદરા શહેરમાં કોરોનાકાળમાં વાયુસૈનિક ભરતીનું આ મેગાસત્ર પ્રથમવાર યોજવામાં આવ્યું છે. વહેલી સવારના ૫ વાગે કોલલેટર સાથે આવતા ઉમેદવારોની નોંધણી અને દસ્તાવેજોની ચકાસણી સાથે ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. દશ હજાર જેટલા યુવાનોએ ઓનલાઇન અરજી કરી હતી તે પૈકી વાયુદળને ૧૫૭૭ જેટલા ઉમેદવારો પ્રાથમિક લાયકાતોને અનુરૂપ જણાતાં એમને કોલલેટર એરફોર્સ દ્વારા જ ઓનલાઇન મોકલવામાં આવ્યા હતા. આ પૈકી રોજેરોજ ૧૫૦ જેટલા ઉમેદવારોને તારીખ, વાર અને સમય સાથે ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવી છે. ઉપસ્થિત ઉમેદવારોની પહેલા લેખિત કસોટી લેવામાં આવે છે, તેમાં સફળ થયેલા ઉમેદવારોની ઠરાવેલી શારીરિક ક્ષમતાની કડક કસોટી લેવામાં આવે છે. બંનેમાં સફળ રહેલા ઉમેદવારો, તબીબી તપાસને આધીન અંતિમ પસંદગી માટે લાયક ગણાય છે.