વડોદરા, તા.૩

ગુજરાત રાજ્યના જેલ વિભાગે કેદી કલ્યાણની એક નવી પહેલના રૂપમાં પ્રિઝન બેંકની સ્થાપના કરવામાં ચક્રો ગતિમાન કર્યાં છે. જેલોના વડા ડૉ. કે.એલ.એન. રાવે વડોદરા સેન્ટ્રલ જેલના રેડિયો પ્રિઝનના શુભારંભ પ્રસંગે આ મહત્વની જાણકારી આપી હતી. વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે કેદી કલ્યાણ મનોરંજન અને શિક્ષણના હેતુસર સ્થાપવામાં આવેલા રેડિયો પ્રિઝન, કેદીઓ માટે અને કેદીઓ દ્વારા સંચાલિત રેડિયો સ્ટેશન છે. તેનો પ્રારંભ જેલ અને સુધારાત્મક વહીવટના અધિક પોલીસ મહાનિર્દેશક ડૉ. કે.એલ.એન. રાવે કરાવ્યો હતો.આ પ્રસંગે તેમણે જણાવ્યું કે તા. ૨ ઓક્ટોબર ૨૦૨૦ ના રેડીઓ પ્રિઝન અમદાવાદની જેલ થી શરુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકોટ, સુરત અને હવે વડોદરામાં રેડીઓ પ્રિઝનની શરૂઆત થઈ છે. રેડીઓ પ્રિઝન ફક્ત મનોરંજન જ નહિ, પરંતુ શૈક્ષણિક, કૌશલ્ય વર્ધન અને બીજા વિષયો પર પણ માહિતી આપશે.તેમણે ઉમેર્યું કે રેડીઓ પ્રિઝન બંદીવાન ભાઈઓના માનસ પરિવર્તન અર્થે કરાયેલું કલ્યાણ કાર્ય છે. કેદીઓ પોતાના પરિવારજનોથી દુર રહી તણાવ અનુભવે છે તેથી આ રેડીઓ તેમને મલ્ટિલેવલ પ્લેટફોર્મ આપે છે. આ માધ્યમ દ્વારા બંદીવાન ભાઈઓને ઉચ્ચતર અભ્યાસ અર્થે શૈક્ષણિક માહિતીઓ, કાર્ય કુશળતાની માહિતીઓ, તથા પોતાની કહાની રેડીઓના માધ્યમ દ્વારા શ્રોતા કેદીઓને સંભળાવી શકશે અને રેડિયોના માધ્યમ દ્વારા કેદીઓને કાયદાકીય સલાહ સૂચનો પણ આપવામાં આવશે. તથા ગેસ્ટ લેક્ચર અને પ્રેરણા પ્રવચનોનું પ્રસારણ પણ આ રેડિયો દ્વારા કરવામાં આવશે.