વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી દ્વારા ૯ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની ઓનલાઇન એક્ઝામ આજથી શરુ થઇ હતી. એક્ઝામના પહેલા દિવસ માટે કુલ ૨૨૧૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૨૧૧૦ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે હાજર રહ્યા હતા. જ્યારે, ૧૦૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.  કોવિડ-૧૯ની પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા કોલેજો તેમજ યુનિવર્સીટીઓમાં ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનાર તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓની ઓનલાઇન એક્ઝામ લેવાની જાહેરાત કરાઈ હતી. જેના પગલે એમ.એસ.યુનિવર્સીટી દ્વારા કુલ ૧૫ હજાર જેટલા વિદ્યાર્થીઓની ઓનલાઇન એક્ઝામ લેવાનો ર્નિણય કરાયો હતો. એમ.એસ.યુનિવર્સીટી દ્વારા ઓગષ્ટ મહિનાની શરૂઆતમાં યોજાનાર ઓનલાઇન એક્ઝામ મહિનાના અંતમાં શરુ થઇ છે. ગત ૧લી ઓગષ્ટના રોજ યોજાનાર મોકટેસ્ટ અગાઉ યુનિવર્સીટી એક્ઝામ પોર્ટલ પર થયેલા સાયબર એટેક બાદ એક્ઝામ પોર્ટલ તેમજ કમ્પ્યુટર સેન્ટરની કામગીરી પર સવાલો ઉભા થયા હતા. જોકે, યુનિવર્સીટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી એક્ઝામ પોર્ટલની સુરક્ષા વધારીને ૧૩ અને ૧૪ ઓગષ્ટના રોજ ૯ ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓનો ઓનલાઇન મોકટેસ્ટ યોજવામાં આવ્યો હતો. આ મોકટેસ્ટમાં પણ ઘણીબધી ત્રુટીઓ સર્જાઈ હતી. જેને સુધાર્યા બાદ આજથી સપ્ટેમ્બર મહિનાના શરૂઆત સુધીમાં ૯ ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓની ઓનલાઇન એક્ઝામ લેવાની જાહેરાત કરાઈ હતી. 

આજથી શરુ થયેલ પ્રથમ તબક્કાની ઓનલાઇન એક્ઝામમાં ૯ ફેકલ્ટીઓમાંથી કુલ ૨૨૧૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. દિવસ દરમ્યાન ત્રણ સ્લોટમાં લેવામાં આવેલ આ ઓનલાઇન એક્ઝામમાં સવારે ૧૦થી ૧૧ઃ૪૫ વાગ્યાના સ્લોટમાં કુલ ૫૫૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૫૧૯ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી. બપોરે ૧થી ૨ઃ૪૫ વાગ્યાના સ્લોટમાં કુલ ૭૦૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૬૮૩ વિદ્યાર્થીઓ એક્ઝામમાં હાજર રહ્યા હતા. જ્યારે, સાંજે ૪થી ૫ઃ૪૫ વાગ્યાના સ્લોટમાં નોંધાયેલા ૯૫૨ વિદ્યાર્થીઓ પૈકી ૯૦૮ વિદ્યાર્થીઓ એક્ઝામમાં હાજર રહ્યા હતા. આમ, કુલ ૨૨૧૩ વિદ્યાર્થીઓ પૈકી આજની ઓનલાઇન એક્ઝામમાં ૨૧૧૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ૧૦૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પરીક્ષાની સમગ્ર પ્રક્રિયાનું સતત મોનીટરીંગ થતું હોવાથી સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પણ ઝડપાયા હતા. જોકે, આગામી દિવસોમાં આ વિદ્યાર્થીઓના હીયરીંગ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે, તેમ યુનિવર્સીટી સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, અગાઉ બે વખત ફિયાસ્કો થયા બાદ યુનિવર્સીટીના એક્ઝામ પોર્ટલમાં પરીક્ષાના દિવસે કોઈ ખામી કે પછી એરર સર્જાઈ ન હતી.આજથી શરુ થયેલ આ ઓનલાઇન એક્ઝામ સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સુધી ચાલશે. જ્યારબાદ ૯ ફેકલ્ટીના તમામ વિદ્યાર્થીઓની ઓનલાઇન એક્ઝામ પૂર્ણ થશે. જ્યારબાદ, બાકીની તમામ મોટી ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓના મોકટેસ્ટ અને ઓનલાઇન એક્ઝામ યોજવામાં આવશે.