દાહોદ, તા.ર 

જિલ્લામાં તાઃ ૧/૮/૨૦૨૦ થી ૭/૮/૨૦૨૦ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વના સર્જન માટે ઃ થીમ પર ઉજવણીની શરૂઆત દાહોદમાં કરવામાં આવી છે. જેમાં રાજ્ય મંત્રી  બચુભાઈ ખાબડ, કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે પ્રસૂતિ થવાની છે તેવા લાભાર્થીઓ જોડે વિડીયો કોલ મારફતે તેમજ ટેલિફોનિક સંવાદ સાધ્યો હતો અને આ મહાનુભાવોએ સગર્ભાઓને સ્તનપાનનું મહત્વ સમજાવ્યું હતું. જેમાં દરેક લાભાર્થીઓને સમજાવવામાં આવ્યું કે માતાનું પહેલું ધાવણ બાળક માટે કેટલું લાભદાયી છે અને માતાનું પહેલું ધાવણ બાળકની પહેલી રસી છે જે બાળકને ભવિષ્યમાં થતાં દરેક રોગ સામે લડવાની શક્તિ આપે છે. શિશુને જન્મના પ્રથમ એક કલાકમાં સ્તનપાન કરાવવું, માતાના દૂધમાથી બાળકને જરુરી તમામ પોષક તત્વો અને પાણી મળી રહે છે. જેથી છ મહિના સુધી બાળકને ફક્ત સ્તનપાન જ કરવવા લાભાર્થીઓને સમજાવવામાં આવ્યું. તેમજ આગણવાડી કેન્દ્ર ખાતેથી મતાઓને માતૃશક્તિ તેમજ બાળકોને બાળશક્તિ રૂપે આપાતા પેકેટ વિષે પણ સમજ આપવામાં આવી. ઘણી વખત આપણે જોઈએ છીએ કે કેટલાક બાળકો સતત બિમાર રહેતા હોય છે જ્યારે કેટલાક બાળકો હંમેશા નીરોગી અને સ્વસ્થ રહેતાં હોય છે. એક જ વખત ભણતા વિદ્યાર્થીઓ માં વર્ષના પ્રથમ આગમન સાથે જ અમુક ને તરત શરદી, તાવ ખાંસી આવી જતા હોય છે. જ્યારે કેટલાંક બાળકોમાં ઋતુઓની વિષમતાની કોઈ અસર થતી નથી. આવું થવાનું મુખ્ય કારણ છે રોગપ્રતિકારક શક્તિ. કોરોના મહામારી ના આ સમયમાં પણ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ જ રામબાણ ઉપાય બન્યો છે ત્યારે બાળકોમાં જન્મની સાથે જ જીવનભર સાથ રહે તેવી સબળ રોગપ્રતિકારક શક્તિની બક્ષિસ કુદરત માતા થકી આપે છે. જન્મની સાથે જ કરાવવામાં આવતું સ્તનપાન અને ત્યાર બાદના પ્રથમ છ માસ માટેનું ફક્ત સ્તનપાન બાળકો માટે રોગો સામે ઝઝૂમવાની અમોધ શક્તિ પ્રદાન કરે છે. આ ઝુંબેશમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિસેફ પણ જોડાઈ અને અત્યારે વિશ્વભરમાં ઓગસ્ટના પહેલા સપ્તાહને વર્લ્ડ બ્રેસ્ટ ફિડિંગ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન સ્તનપાનથી થતા ફાયદાઓથી સગર્ભા અને ધાત્રી માતાઓને અવગત કરવામાં દાહોદ જીલ્લાના મંત્રી તેમજ અધિકારીઓ દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને વિડીયો કોલ કરી સ્તનપાન સપ્તાહની ઉજવણી ની શરૂઆત દાહોદ જીલ્લામાં કરવામાં આવી હતી.