કોચ્ચિ-

કેરળની સરકારે સ્વીકાર કર્યો છે કે રાજ્યમાં કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઇ રહ્યું છે. આમ કેરળ દેશનું પહેલું એવું રાજ્ય બની ગયું છે જ્યાં સત્તાવાર રીતે કોરોનાના કોમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત માની છે. રાજ્ય સરકારનું માનવું છે કે કોરોના વાયરસ હવે કેરળના શહેરોથી લઇ ગામડાંઓ સુધી ફેલાઇ ગયો છે. કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો મતલબ છે કે તેનો સોર્સ ખબર પડવો મુશ્કેલ થઇ ગયો છે અને કેટલાંક વિસ્તારોમાં કોઇને પણ કોરોનાનો ચેપ લાગી શકે છે.

કેરળમાં બુધવારના રોજ પહેલી વખત એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ ૧૦૩૮ કેસ સામે આવ્યા. ત્યારબાદ કુલ દર્દીઓની સંખ્યા ૧૫૦૩૨ પર પહોંચી ગઇ. બુધવાર સુધી કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૮૮૧૮ હતી.

સીએમ પિનરાઇ વિજયને કહ્યું હતું કે ૭૮૫ લોકો પહેલેથી સંક્રમિત શખ્સના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા જ્યારે ૫૭ અન્ય લોકોનું સંક્રમણ કયાંથી થયું તેની માહિતી નથી. તેના આધાર પર આશંકા વ્યકત કરાઇ હતી કે રાજ્યમાં કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઇ રહ્યું છે.

બુધવારના રોજ કેરળમાં ૨૦૮૪૭ સેમ્પલની તપાસ કરાઇ છે. અંદાજે ૧૫૯૭૭૭ લોકો દેખરેળ હેઠળ છે. જેમાંથી ૯૦૩૧ લોકો હોસ્પિટલમાં દાખલ છે. ૧૧૬૪ લોકોને એક જ દિવસમાં હોસ્પિટલમાં દાખલ કરાયા. સીએમ વિજયને કહ્યું કે ૩૧૮૬૪૪ સેમ્પલની અત્યાર સુધીમાં તપાસ થઇ ચૂકી છે.

મુખ્યમંત્રીના મતે તિરૂવનંતપુરમમાં સ્થિતિ ખૂબ ગંભીર બની ગઇ છે. જિલ્લાના ૨૨૬ કેસોમાંથી ૧૯૦ સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી જ્યારે ૧૫ લોકોએ કયાંથી સંક્રમણ લાગ્યા તેની માહિતી નથી. સંક્રમિતોમાં આઠ સ્વાસ્થય કર્મી છે.