અમદાવાદ

ગુજરાતમાં મહાનગર પાલિકાઓની ચૂંટણીઓમાં સુરત મહાનગર પાલિકામાં નોંધપાત્ર બેઠકો મેળવીને વિપક્ષનું પદ હાંસલ કરનાર અને સત્તાધારી પક્ષ ભાજપના પ્રદેશ પ્રમુખના ઘર આંગણે જ નાક કાપીને શીર્ષાસન કરાવનાર આમ આદમી પાર્ટીના હોર્ડિંગ્સમાં ભાજપ દ્વારા છેડછાડ કરીને કોમવાદી દર્શાવવાના પ્રયાસને લઈને વિવાદ સર્જાયો છે. જે બાબતે આપના લીગલ સેલ દ્વારા અમદાવાદના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવવામાં આવી છે.

આપના લીગલ સેલના એડવોકેટ પ્રણવ ઠક્કર દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટરને કરવામાં આવેલ ફરિયાદમાં ટ્‌વીટર હેન્ડલ ધરાવતા ત્રણ સહીત અન્ય અજાણ્યાઓને શકમંદ આરોપીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જેમાં સુરજિત દાસગુપ્તા, રેણુકા જૈન, રમણીકસિંઘ માન અને અન્યોની સામે નામજાેગ ફરિયાદ આપવામાં આવી છે. જેમાં તેઓ સામે આઈપીસીની કલમ ૧૫૩એ, ૨૯૫, ૪૬૫, ૪૭૧,૪૭૪, ૪૧૭,૫૦૫, તથા આઈપીસી ૧૮૬૦ની કલમ ૧૨૦બી સાથે વાંચતા તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ ૨૦૦૦ની કલમ ૬૬ ડી હેઠળ ગુનો નોંધવાની માગ કરાઈ છે. આ ટ્‌વીટને વાયરલ કરવામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો સક્રિય હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 

ફરિયાદી એડવોકેટ પ્રણવ ઠક્કરે જણાવ્યા અનુસાર સુરજિત દાસગુપ્તા આમ આદમીના હોર્ડિંગ્સના હેડીંગમાં છેડછાડ કરીને “હવે બદલાશે ગુજરાત”ના સ્થાને “નમાઝ પઢશે ગુજરાત” એવું કોમવાદી લખાણ દર્શાવતું બેનર પોસ્ટ કર્યું હતું. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના ફોટો આગળની ખાલી જગ્યામાં “ભાગવત સપ્તાહ અને સત્યનારાયણ કથા જેવી ફાલતુ પ્રવૃતિઓ છોડો” એવું કોમવાદી ઉશ્કેરણીજનક લખાણ લખીને આમ આદમી પાર્ટીને કોમવાદી ચીતરવાનો નિમ્ન કક્ષાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આજ પ્રકારનું કૃત્ય અન્ય આરોપીઓ રેણુકા જૈન દ્વારા એમના ટ્‌વીટર હેન્ડલ પર કરવામાં આવ્યું છે. જેમાં એજ છેડછાડ કરેલ ફોટો અને લખાણ દર્શાવવામાં આવ્યું છે. આવી જ રીતે રમણીક માન દ્વારા ટ્‌વીટર હેન્ડલ પર કૃત્ય કરાયું છે. આ તમામ કૃત્યો ધાર્મિક વાતાવરણને ડહોળવાને માટે અને કોમી એખલાસને બદલે કોમવાદી વાતાવરણ ઉભું થાય એવા નિમ્ન કક્ષાના આશયથી કરાયાનો આક્ષેપ કરીને એની સાથોસાથ આપ પાર્ટી અને એના હોદ્દેદારોની છબી ખરડવાનો પ્રયાસ કરાયાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આમાં તસવીરને પણ મોર્ફ કરી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના વિરુદ્ધ નફરત ભરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. આ તમામ ટ્‌વીટસને ભલે પાછળથી ડીલીટ કરવામાં આવી છે.

પરંતુ એ અન્ય વેબસાઈટ પર હજુ જાેવા મળી રહી છે. જે તમામની લિંક પણ પોલીસ ફરિયાદમાં પુરાવા તરીકે આપવામાં આવી છે. ભારતીય એવિડન્સ એક્ટ હેઠળ આ તમામ પુરાવાઓ ઉપલબ્ધ બની રહેશે. એવો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.રાષ્ટ્રીય સુરક્ષાને માટે પણ આવી છેડછાડ જાેખમકારક હોવાનું ફરિયાદમાં જણાવીને આરોપીઓ અને અન્ય સંકળાયેલા તમામ સામે કડક કાર્યવાહીની પણ આમ આદમી પાર્ટી દ્વારા માગ કરવામાં આવી છે. તેમજ મોર્ફ ફોટો અને વિડિઓ બનાવીને આરોપીઓ દ્વારા એને પોતાના રાજકીય પક્ષ ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ફરતા કરીને એનો ભારે દુષ્પ્રચાર કરવામાં આવ્યો હતો. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આરોપીઓ સામે તત્કાળ ગુનો દાખલ કરીને તટસ્થ તપાસ કરવાની માગ કરી છે.