વડોદરા : શહેરના ફતેગંજ પોલીસ મથકના કસ્ટોડિયલ ડેથના બનાવમાં પોલીસે શેખ બાબુની હત્યા કરી હોવાના મામલાનો પર્દાફાશ થયો હતો. એવી જ રીતે હાથીખાના વિસ્તારમાં સિટી પોલીસે જુગારની રેડ દરમિયાન એક આરોપીને ધાબા પરથી ફેંકી દેવાતાં આરોપી મોતને ભેટયો હોવાનો કિસ્સો બહાર આવતાં મૃતકના ભાઈએ સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ નિનામા અને અન્ય પોલીસ કર્મચારીઓએ પોતાના ભાઈની પોલીસે હત્યા કરી હોવાના આક્ષેપો સાથે આજે કોર્ટમાં સીઆરપીસી ૨૦૧ મુજબ અરજી દાખલ કરી પોલીસ અધિકારી નિનામા સહિત જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા અને બનાવની કોર્ટ ઈન્કવાયરી કરવા દાદ માગી છે. 

શહેરના હાથીખાના વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગત માર્ચ મહિનામાં સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ નિનામાએ પોતાની ટીમ સાથે એક મકાનમાં રેડ કરી હતી. આ રેડમાં કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે એક આરોપી દાનીશ શેખનું ધાબા પરથી નીચે પટકાતાં મોત નીપજ્યું હતું. આ બનાવમાં સિટી પોલીસે મામલો સગેવગે કરવા પ્રયાસો હાથ ધરી સ્થળતપાસ સહિત પંચક્યાસ કર્યો હતો અને સ્થળ પરથી કોઈ લોહીના ડાઘ મળેલા નહીંનો પંચક્યાસ કર્યો હતો. ત્યાર બાદ મૃતક આરોપી દાનીશ ઉર્ફે ભોલુ શેખનું મોત પોલીસે ધાબા પરથી ફેંકી દેતાં નીપજ્યું હોવાનું મૃતકના ભાઈ વસીમ શેખને જાણવા મળ્યું હતું. આથી વસમી શેખે પોતાના ભાઈની પોલીસે હત્યા કરી હોવાનું જણાવી પીએસઆઈ નિનામા અને અન્ય પોલીસ કર્મચારી વિરુદ્ધ આક્ષેપો કરતી અરજી પોલીસ કમિશનરને કરી હતી. આ અરજીનો ત્રણ માસ સુધી કોઈ જવાબ કે કાર્યવાહી નહીં થતાં રાજ્યના ડીજીપી, ગૃહ રાજ્યમંત્રી પોલીસ કમિશનરને અરજી કરી છે જે અરજી કર્યાને ૧૫ દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ કાર્યવાહી પોલીસ કર્મચારીઓ સાથે થઈ નથી. આથી આજે મૃતક દાનીશ શેખના ભાઈ વસીમ શેખે પોતાના વકીલ વિરાજ પી.ઠક્કર મારફતે વડોદરાની કોર્ટમાં સીઆરપીસી ૨૦૧ મુજબ અરજી દાખલ કરી છે અને કલમ-૧૫૬(૩) હેઠળ કોર્ટ ઈન્કવાયરીની દાદ માગીને પુરાવાનો નાશ કર્યો હોવા સહિત હત્યાની કલમ સાથે જવાબદાર પીએસઆઈ નિનામા અને અન્ય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવા માગણી કરી છે.

 ફતેગંજ ૫ોલીસે એક ચોરીના કેસમાં નિદોર્ષ ફેરિયા વૃદ્ધને સ્ટેશનથી ઉચકી લાવી ચોરી કબુલ કરાવવા માર માર્યો હતો અને એ દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું. આ બનાવનો મામલો પોલીસે લાંબોસમય દાબી રાખી પુરાવાનો નાશ કર્યો હતો. આજ રીતે સીટી પોલીસ સ્ટેશનના જુગારના આરોપીને જુગાર સ્થળ પરના મકાન ધાબા પરથી નીચે નાંખી દઈને મોત નિપજાવનાર મામલામાં પણ કેટલાક પુરાવા રફેદફે કર્યા હોવાનું કોર્ટે જણાવી મૃતકના ભાઈએ કોર્ટ ઈન્કવાયરીની દાદ માગી છે.