દેવગઢ બારિયા : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલએ તાજેતરમાં મોરબી તાલુકાના વાઘપર ગામે ચૂંટણીના પ્રચાર માટેની જાહેર સભામંચ પરથી સ્વર્ગીય મહેશભાઈ કનોડીયા તથા સ્વર્ગીય નરેશભાઈ કનોડીયાને શ્રદ્ધાંજલિ આપતી વેળાએ બન્ને ભાઈઓની જ્ઞાતિ અને તેમના સમાજના સ્તર અંગે અપમાનજનક લાગે એવા શબ્દોનો પ્રયોગ કરી અનુસૂચિત જાતિના સમાજને ઇરાદાપૂર્વક અપમાનિત કરી હડધૂત કરેલ હોવાથી તેઓની સામે દાહોદના સુખદેવકાકા કોલોનીમાં રહેતા અજયભાઈ કનુભાઈ વાઘેલાએ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તેઓની ધરપકડની માંગણી કરતા દાહોદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.  

ગુજરાત રાજ્યની વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ રતિભાઈ પટેલ એ ગત તારીખ ૩૦/૧૦/૨૦૨૦ના રોજ મોરબી તાલુકાના વાઘપર ગામે ચૂંટણી પ્રચારની જાહેર સભામાં સભામંચ ઉપરથી ભાષણ આપ્યું હતું. જેમાં સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સ્વર્ગીય મહેશભાઈ કનોડિયા તથા સ્વર્ગીય નરેશભાઈ કનોડીયાને શ્રદ્ધાંજલિ આપતી વેળાએ બંને સ્વર્ગસ્થ બંધુઓની જ્ઞાતિ અને સમાજ અંગે અપમાન લાગે એવી ભાષા કે શબ્દ વાપરી પ્રથમ માજી મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાની વાત કર્યા પછી પટેલ જ્ઞાતિની સરખામણીએ મહેશ અને નરેશ કનોડિયા નીચી અને હલકી જ્ઞાતિના છેે તેવો અર્થ નિકળે એ રીતે રીતે જણાવી સાંસદ અને ધારાસભ્ય રહી ચૂકેલા બંને સ્વર્ગસ્થ મહાન કલાકારાનીે અનુસૂચિત જાતિ માટે સન્માનિત સદગત વ્યક્તિઓનું જાહેરમાં અપમાનિત કરેલ છે. નરેશ કનોડીયા પોતાના સમાજ માટે એટલે સન્માનિત છે કે તેઓ જગ પ્રખ્યાત એક્ટર ગાયક કલાકાર અને સંગીતકાર હતા. બે ટર્મ સુધી ગુજરાતના ધારાસભ્ય રહેલા અને વર્ષ ૨૦૧૨માં તેઓને દાદાસાહેબ ફાળકે એકેડેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેઓ ચાર દાયકા સુધી ૧૨૫ જેટલા ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય કલાકાર તરીકે કામ કરી નામાંકિત બન્યા હતા. જ્યારે મહેશભાઈ કનોડિયા ૧૯૯૧ થી ૧૯૯૯ તથા ૨૦૦૪ થી ૨૦૦૯ સુધી સાંસદ રહી તેઓએ ઉમદા નેતાગીરી પૂરી પાડી હતી. તેઓ પણ ગાયક કલાકાર અને સંગીતકાર હતા અને તેઓ જુદા જુદા છ એવોર્ડ આ ક્ષેત્રે મેળવ્યા હતા. આવા સન્માનિત મહાપુરુષોને જાહેરમાં અપમાનિત કરી હલકી કક્ષાના ગણી તેઓને કાયદાથી પ્રતિબંધિત જ્ઞાતિના બતાવી નીતિનભાઈ પટેલે ઈપીકો કલમ ૨૯૪ખ તથા એટ્રોસિટી એક્ટની કલમ ૩(૧)(આર), ૩(૧)(એસ), ૩(૧)(યુ), તથા ૩(૧)(વી) મુજબ શિક્ષાને પાત્ર ગુનો કરેલ છે. ઉપરોક્ત બંને મહાપુરુષો અનુસૂચિત જ્ઞાતિના છે તેવું આડકતરી રીતે જાહેરમાં બોલી અપમાનજનક શબ્દનો પ્રયોગ કરી આખા અનુસૂચિત જ્ઞાતિના સમાજને ઇરાદાપૂર્વક અપમાનિત કરી હડધૂત કરેલ છે. જે ખરેખર ગુનો બને છે તેમ જણાવી દાહોદ સુખદેવકાકા કોલોનીમાં રહેતા અજયભાઈ કનુભાઈ વાઘેલાએ કેટલીક કોર્ટના જજમેન્ટ અને ટાંકી તેમજ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નોટિફિકેશનને ટાંકી દાહોદ શહેર પોલીસ સ્ટેશનમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ રતિભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરી છે.

પોલીસે ફરિયાદીની અરજી સ્વિકારી છે પરંતુ શાસક પક્ષના અગ્રણી અને નાયબ મુખ્યમંત્રી જેવા હોદ્દા પર બિરાજેલા નિતીન પટેલ સામે અરજીના આધારે હજી સુધી કોઈ કાર્યવાહી નહીં કરતા પોલીસની તટસ્થતા સામે સવાલો ઉભા થયા છે.