વડોદરા : શહેરમધ્યેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચોરીછુપીથી અત્યંત જાેખમી અને જ્વલનશીલ કેમિકલ તેમજ એસિડ છોડીને નદીમાં વસતા જળચર જીવો અને નદી કિનારે રહેતા માનવીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા વડસર ગામની કુખ્યાત ભાલિયા ત્રિપુટી તેમજ તેઓને આવી પ્રવૃત્તી કરવા માટે પોતાની જગ્યા આપનાર જમીનમાલિક સહિત પાંચ વિરુધ્ધ આખરે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.  

શહેર નજીક વિશ્વામિત્રી નદી કિનારે આવેલા ગામો પૈકીના કરાલી ગ્રામ પંચાયત, મારેઠા જુથ ગ્રામ પંચાયત અને ખલીપુર ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા વડોદરા મ્યુનિ.કોર્પોરેશન, કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરીમાં ગત ઓક્ટોબર માસમાં ફરિયાદ કરાઈ હતી કે વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પ્રવાહી છોડવામાં આવે છે. આ ફરિયાદોના પગલે જીપીસીબીની વડોદરા સ્થિત પ્રાદેશિક કચેરી દ્વારા ગઈ કાલે સવારે વિશ્વામિત્રી નદીમાં તપાસ કરી વિશ્વામિત્રીની દુર્ગંધવાળા પાણીના સેમ્પલ લીધા હતા તેમજ પાણીમાં યાંત્રિક સાધનોથી ચકાસણી કરી હતી.ચકાસણી દરમિયાન મારેઠા પાસેથી એકઠા કરેલા પાણીના નમુનામાં અત્યાંત જાેખમી તેવું તેજાબી એસિડની હાજરી મળતા જીપીસીબીની અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ નદીમાં આ એસિડ ક્યાંથી આવે છે તેની નદીના વહેણની ઉપરની બાજુએ તપાસ કરતા વડસર પુલ પાસે આવેલા વીએમસીના કચરાની ગાડીઓ મુકવાના તેમજ કચરાના ટ્રાન્સફર સ્ટેશનની જગ્યામાં જાેખમી પ્રદુષિત ઐાધોગિક એસેડિક પાણી અને ખુબ જ જાેખમી એસિડને ફ્લેકસીબલ હોઝ પાઈપલાઈન થકી વિશ્વામિત્રી નદીમાં નિકાલ કરવા માટેની વ્યવસ્થા મળી આવી હતી.જીપીસીબી દ્વારા નદી સુધી લાંબા કરાયેલા ઉક્ત હોઝ પાઈપલાઈનમાં ભરાયેલા પાણી અને કેમિકલના પણ નમુના લીધા હતા જેમાં આ પાઈપલાઈન મારફત અગાઉ નદીમાં ઠાલવવામાં આવેલા કેમિકલ અને એસિડ મળી આવ્યું હતું. આ પાઈપલાઈનટની બાજુની જમીન પણ પ્રદુષિત થયેલી હોઈ જીપીસીબી દ્વારા આ જમીનમાંથી પણ નમુના લેવામાં આવ્યા હતા.

જીપીસીબીની પ્રાથમિક તપાસમાં જ એવી જાણ થઈ હતી કે વિશ્વામિત્રી નદીમાં પાઈપલાઈનનો ઉપયોગ કરીને આયોજનપુર્વક પ્રદુષિત ઐાધોગિક એસિડીક પાણી અને ખુબ જ જાેખમી એસિડ અને ગંદા પાણીનો ગેરકાયદે નિકાલ કરી પર્યાવરણ તેમજ માનવ, પશુ, પક્ષી અને નદીના જળચરોના જીવોની સલામતિ સાથે ચેડા કર્યા છે તેમજ આ પાણી ખેતીમાં પણ ઉપયોગ થાય તેવા સંજાેગોમાં ખેતીના પાક અને ખેતરની જમીનની પણ નુકશાન થાયે તેવું ગંભીર કૃત્ય આચરવામાં આવ્યું છે.

જીપીસીબીની ટીમ દ્વારા આસપાસમાં તપાસ કરતા હોઝ પાઈપલાઈન જે જગ્યા પરથી નદી સુધી આવતી હતી તે જગ્યા વિજેશ ગાંધી દ્વારા ભાડે રાખવામાં આવી છે અને તેમાં રવિ નામનો ઈસમ સુપરવિઝન કરે છે. આ અંગે જીપીસીબી દ્વારા વડોદરા કોર્પોરેશનને મૈાખિક જાણ કરી હતી. વિશ્વામિત્રી નદીમાં ઝેરી કેમિકલયુક્ત પ્રવાહી અને એસિડ ઠાલવવાનો ગત એપ્રિલ-૨૦૧૮ના રોજ ગ્રામજનોએ પર્દાફાશ કર્યો હતો જે બનાવની ભારે વિવાદ બાદ આખરે વડસરગામમાં રહેતા ભીખા ભાલિયા, તેનો પુત્ર દિપક ભીખા ભાલિયા અને સાગરીત મહેશ ભાલિયા વિરુધ્ધ માંજલપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. જીપીસીબીના પ્રાદેશિક કચેરીના મદદનીશ પર્યાવરણ ઈજનેર હેનિલ પાદરિયાએ ગઈ કાલે આ બનાવની માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિજેશ ગાંધી, રવિ, ભીખા ભાલિયા, દિપક ભાલિયા અને મહેશ ભાલિયા વિરુધ્ધ ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.

વિશ્વામિત્રી - ઢાઢર નદીનો ભાગ પોલ્યુટેડ રિવર સ્ટ્રેચમાં સમાવિષ્ટ

જીપીસીબીના સુત્રો મુજબ વિશ્વામિત્રી નદી આગળ વહેતા અંતે ઢાઢર નદીમાં મળે છે. વિશ્વામિત્રી નદીમાં વિપુલ માત્રામાં મગરોનો વસવાટ છે પરંતું વિશ્વામિત્રી નદીના આ ભાગ તેમજ આગળ ઢાઢળ નદીનો ભાગમાં ભારે પ્રદુષિત પાણી અને કેમિકલ છોડવામાં આવતું હોઈ તેને પોલ્યુટેડ રિવર સ્ટ્‌ેચમાં સમાવેશ કરાયો છે અને આ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના પ્રિન્સિપાલ બેન્ચનો પણ ગત ૨૦૧૮માં આદેશ થયો હતો.

ભાલિયા ત્રિપુટીને ૧ ટેન્કર ઠાલવવાના ૧લાખ મળતા હોવાની ચર્ચા

વડસર, મારેઠા સહિત વિશ્વામિત્રી નદીના કિનારે રહેતા રહીશો દ્વારા મળતી વિગતો મુજબ વડસરમાં રહેતી ભાલિયા ત્રિપુટીને કોર્પોરેશન, જીપીસીબી અને પોલીસના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ સાથે ભારે ઘેરાબો છે. તેઓની વડોદરા, નંદસેરી, અંકલેશ્વર, અને અમદાવાદના ઐેાધોગિક એકમો સાથે પણ સાંઠગાઠ હોઈ આ ઐાધોગિક એકમોમાંથી નીકળતા વેસ્ટ તેમજ કેમિકલયુક્ત અને એસિડીક વોટર ભરેલી ટેન્કરો મોડી રાત્રે અંધારામાં નદી કિનારે લાવી તેમાંથી પ્રદુષિત પ્રવાહી હોઝ પાઈપ મારફત વિશ્વામિત્રીમાં ઠાલવવાનું સુઆયોજિત કૈાભાંડ લાંબા સમયથી ચાલે છે અને ભાલિયા ત્રિપુટીને એક ટેન્કર દીઠ એક લાખ રૂપિયા મળે છે