પાલનપુર-

પાલનપુર તાલુકાના ગઢ ગામમાં એક ખેતરમાં ગાય અવાર-નવાર ઉભો પાક ચરી જતા ખેતર માલિક અને ભાગીયા એ ભેગા મળી ગાયને પકડી ટ્રેક્ટર પાછળ બાંધી તાણીને ખેતરે લાવતા ગાય પડી જતા ઘસડાઇ હતી. જેનો વિડીયો વાયરલ થતા પોલીસે બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના ગઢ ગામે રહેતા એક ખેતર માલિકના ખેતરમાં વાવેલો ઉભો પાક એક ગાય અવાર-નવાર ચરી જતી હતી. જેથી ખેતર માલિક અને ભાગીયાએ સાંજના સમયે ગાયને ટ્રેક્ટરની પાછળ દોરડા વડે બાંધી ખેતરમાં લાવતા હતા. તે વખતે ગાય પડી જતા ગાય ઘસડાયેલ તે વખતે કોઇ વ્યક્તિ દ્વારા ક્રિકેટના મેદાનમાંથી ગાય ઘસડાતી હોય તેવો વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો હતો. જેથી તે વિડીયો ગઢ પોલીસના હાથમાં આવતા પોલીસે વાયરલ વિડીયોના આધારે વિડીયોમાં નજરે પડતા વ્યક્તિઓને બોલાવી પુછ પરછ કરતા ઉપર મુજબની હકીકત જણાવી હતી. જેથી ગઢ પોલીસ સ્ટેશનના માનાભાઇ કાળાભાઇએ જેસુંગભાઇ રાજસંગભાઇ કરેણ રહે.ગઢ તા.પાલનપુર અને અમરતજી ભારાજી ઠાકોર હાલ રહે.ગઢ તા.પાલનપુર સામે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમનો ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ગઢ પીએસઆઇ એસ.એ. ચૌધરીએ જણાવ્યુ હતુ કે, ગઢ પોલીસ સ્ટેશનમાં પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલી ફરિયાદના બંન્ને આરોપીઓની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.