વડોદરા

કરચિયામાં રહેતા યુવક અને તેની માતા પર અસહ્ય ત્રાસ ગુજારી તેમજ યુવકને પોતાના નવજાત પુત્રનું મોંઢુ પણ બતાવવાનો ઈનકાર કરી તેમજ લાફા ઝીંકીને આપઘાતની દૂષ્પ્રેરણા આપનાર માથાભારે પત્ની અને પત્નીના માતા-પિતા વિરુધ્ધ આખરે જવાહરનગર પોલીસે ગુનો નોંધ્યો હતો.

કરચિયા-બાજવારોડ પર આમ્રપાલી સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષીય જ્યોતિકાબેન હસમુખભાઈ દરજીના પતિનું ૧૪ વર્ષ અગાઉ અવસાન થયું છે. તેમના બે સંતાનો પૈકી મોટો પુત્ર ૩૧ વર્ષીય શીરીષ માંજલપુરની સેમસંગ કંપનીમાં ફરજ બજાવતો હતો જયારે નાનો પુત્ર ચિરાગ હાલ વિદેશમાં છે. શિરીષે આઠ વર્ષ અગાઉ મોનીકા કૈલાશનાથ જ્યસ્વાલ (વડકુઈગામ, વ્યારા, સુરત) સાથે લવમેરેજ કર્યું હતું અને ગત એપ્રિલ-૨૦૨૦માં મોનિકાએ પુત્ર રૂદ્રાંશને જન્મ આપ્યો હતો. જાેકે ત્યાબાદ મોનિકા ડભોઈરોડ પર કપુરાઈચોકડી પાસે ભાઈ વિજય સાથે રહેતા તેના માતા-પિતાની ચઢવણીથી પતિ અને વિધવા સાસુ પર ત્રાસ ગુજારતી હતી અને પુત્રને લઈને તેના ભાઈના રહે રહેવા માટે જતી હતી. આ અગાઉ શીરીષ તેના ઘરે આવેલા સસરાને બોલાચાલી દરમિયાન અપશબ્દ બોલ્યો હતો જે બાબતે મોનિકાએ ફોન પર પતિને જાણ કરી હતી કે તું મારા પિતાને મળી તેમના પગે પડીને નાક રગડીને માફી માંગ તો તે મને સાસરીમાં આવવા દેશે. શીરીષ તેની માતાને લઈને વ્યારા ગયો હતો અને સસરાના પગ પકડીને માફી માંગી હતી પરંતું સસરાએ તું નાલાયક છે અને મારી દીકરીને નહી મોકલુ તેમ કહી માતા-પુત્રને અપશબ્દો બોલી ઘરમાંથી કાઢી મુક્યા હતા.

વ્યથિત માતા-પુત્ર મોનિકાને મળવા માટે ડભોઈરોડ પર જતા મોનિકાએ પતિ શીરીષ અને સાસુને અપશબ્દો કહ્યા હતા તેમજ પતિની ફેંટ પકડી લાફા ઝીંકી ધમકી આપી હતી કે હું મારો છોકરો મારાભાઈને આપી દઈશ અને હું બીજે લગ્ન કરી લઈશ અને તું મરીશ તો ન્હાવા પણ નહી આવું. મોનિકા તેમજ તેના માતા-પિતાના ત્રાસથી કંટાળીને શીરીષે ઘરે આવી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જયારે તેની માતાએ પણ કેનાલમાં છલાંગ લગાવી હતી પરંતું સ્થાનિક રહીશોએ માતાને બચાવી લીધી હતી. આ બનાવની જ્યોતિકાબેનની ફરિયાદના પગલે જવાહરનગર પોલીસે શીરીષને આપઘાતની દૂષ્પ્રેરણા આપનાર પત્ની મોનિકા તેમજ મોનિકાના પિતા કૈલાશનાથ અને માતા ગીતાબેન સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.