અંબાલા-

હરિયાણા પોલીસે કલમ 144 ભંગ કરવા બદલ અંબાલાના એક ગામમાં મહાપંચાયત કરવાના આરોપમાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકેત સહિત અન્ય 12 લોકોની સામે એફઆઈઆર નોંધી છે. ટિકેતા અને યુનિયનના અન્ય નેતાઓ શનિવારે અંબાલા કેન્ટ પાસે ધુરાલી ગામમાં કિસાન-મજૂર મહાપંચાયતને સંબોધિત કરી હતી. પોલીસે જે અન્ય નેતાઓ પર ફરિયાદ દાખલ કરી છે, જેમાં રતન માનસિંહ, બલદેવસિંહ અને જસમેર સૈની સામેલ છે.

કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજીસ્ટ્રેટે કલમ 144 લાગુ કરી હતી, જે હેઠળ ચાર કે તેથી વધુ લોકો એકત્ર થાય તેના પર પ્રતિબંધ છે. કલમ 144 લાગુ હોવાના પગલે પીએસઆઈ ચાંદીસિંહે કિસાન યુનિયનના નેતાઓને મહાપંચાયત નહીં યોજવા વિનંતી કરી હતી. પરંતુ કિસાન નેતાઓ માન્યા નહીં અને મહાપંચાયત યોજીને રહ્યા. જેના પગલે રાકેશ ટિકેત સહિત 12 અન્ય કિસાન નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસના કહેવા અનુસાર ટિકેત અને અન્ય કિસાન નેતાઓએ કલમ 144 હેઠળના આદેશોનો ભંગ કર્યો છે. સાથે જ આઈપીસીની કલમ 188 હેઠળ જિલ્લા કલેક્ટર દ્વારા લાગુ આદેશોનું પાલન કર્યું નથી. પોલીસ ફરિયાદમાં આઈપીસીની કલમ 269 અને 270 પણ ઉમેરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ત્રણ નવા કૃષિ કાનૂન બનાવ્યા જેના વિરોધમાં દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલનનું રાકેશ ટિકેત નેતૃત્વ કરી રહ્યા છે.