વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ગતરોજ યોજાયેલ ચૂંટણીઓમાં વોર્ડ-૭ના ભાજપના ઉમેદવારના સમર્થકે પૂર્વ મેયર સુનિલ સોલંકીના નિકટના મનાતા કાર્યકરનું અપહરણ કરીને ગોંધી રાખીને ભારે કાકલુદી કર્યા પછી મુક્ત કર્યો હતો.જે અંગે અપહરણ કરાયેલા કાર્યકરે કારેલીબાગ પોલીસ મથકમાં અરજી આપી હતી.જેને લઈને ભાજપનો આંતરિક જૂથવાદ ચરમ સીમાએ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ બાબતે પ્રદેશ કક્ષાએ પણ ફરિયાદ કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.

ગતરોજ ૨૧મી ફેબ્રુઆરીએ વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીઓમાં ઈલેક્શન વોર્ડ નંબર -૭ના ભાજપના ઉમેદવાર બંદીશભાઈ અરુણભાઈ શાહે પુનઃ ચૂંટણીઓમાં ઝંપલાવ્યું હતું.ગત વર્ષ ૨૦૧૫ની ચૂંટણીઓમાં બંદિશ શાહને ભાજપના જ આંતરિક જૂથવાદ અને વિખવાદને લઈને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પણ તેઓની વિરુદ્ધમાં પૂર્વ મેયર સુનિલ સોલંકીના ચુસ્ત ટેકેદારો હરાવવાનો પ્રયાસ કરી રહયા છે.એવી માહિતી મળતા તેઓ મતદાન મધ્યે જ ચોકનના થઇ ગયા હતા.આયોજનના ભાગરૂપે બંદિશ શાહના ચુસ્ત ટેકેદાર અને વફાદાર કાર્યકર રાજુ સરદારને આના માટેની જવાબદારી સોંપવામાં આવી હતી.જેઓએ શંકાના આધારે પૂર્વ મેયર સુનિલ સોલંકીના નજીકના મનાતા પાર્થ પુરોહિત ૨૧મીના રોજ બપોરના સમયે કારેલીબાગ, સંગમ ચાર રસ્તા પાસે આવેલ લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલના બુથ નંબર -૨ પાસે પક્ષે સોંપેલી કામગીરી કરી રહ્યા હતા. ત્યારે તેઓ કંઈપણ સાંજે એ પહેલા રાજુ સરદારે એને બોલાવી એની એક્ટિવાની ચાવી લઇ લઈને પોતાની સાથે બેસાડી દીધો હતો.તેમજ દોઢથી બે કલાક સુધી અપહરણ કરીને ગોંધી રાખીને પોતાની સાથે ફેરવ્યો હતો. જેથી એ બંદિશ શાહ વિરુદ્ધ મતદાન કરાવે નહિ. ત્યારબાદ એને મુક્ત કરતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપીને છોડી દીધો હતો.આ બાબત ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બનવા પામી હતી. પરંતુ આમાં સાચું શું? અને ખોટું શું? એ પ્રશ્ન ઘટનાના ચોવીસ કલાક પછીથી પણ વણઉક્લ્યો રહેવા પામ્યો છે. આ બાબતે પાર્થ પુરોહિતે કારેલીબાગ પોલીસ મથકમાં અરજી પણ આપી હતી.પરંતુ તાપસ અધિકારી પોસઈ તરલે એને જવાબ આપવા બોલાવતા ગોળગોળ કારણો બનાવી મંગળવારે ૧૧ પછીથી પોતે જવાબ આપવા હાજર થશે એમ જણાવતા કોકડું ગૂંચવાયું છે.

મોડી રાત્રે ભાજપના નેતાના ઈશારે

પોલીસમાં ફરિયાદ કરાઈ

ભાજપના મહાનગરના પક્ષના મહામંત્રી અને પૂર્વ મેયર સુનિલ સોલંકીના ચુસ્ત ટેકેદાર પાર્થ પુરોહિતનું ભાજપના વોર્ડ-૭ના ઉમેદવાર બંદિશ શાહના ચુસ્ત ટેકેદાર રજુ સરદારે અપહરણ કરીને દોઢથી બે કલાક સુધી ગોંધી રાખીને વિવિધ વિસ્તારોમાં ફેરવ્યો હતો. ત્યાર પછીથી બપોરે ત્રણ વાગ્યા પછીથી અપહરણ કરાયેલા પાર્થને સાંજે મુક્ત કરાયો હતો. આ ઘટના બાબતે તુર્ત ફરિયાદ કરવાને બદલે એના પાંચ - છ કલાક પછીથી કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી.એ ફરિયાદ ભાજપના કયા નેતાના ઈશારે આપવામાં આવી હતી.એ બાબત પણ ચર્ચાનો વિષય બની છે.

પૂર્વ મેયર સુનિલ સોલંકી વિરુદ્ધ પ્રદેશમાં

ફરિયાદ કરાઈ?

વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ મેયર અને શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીએ પક્ષના જ વોર્ડ-૭ના ઉમેદવાર બંદિશ શાહને હરાવવાને માટે વર્ષ ૨૦૧૫ની ચૂંટણીઓની માફક વર્ષ ૨૦૨૧ની ચૂંટણીઓમાં પણ જે પેતરા રચ્યાં હતા.એ બાબતે પ્રદેશ ભાજપમાં અધ્યક્ષ સી.આર.પાટીલ અને અન્ય ઉચ્ચ હોદ્દેદારો સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું પક્ષના આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આવતીકાલે ૨૩મીના રોજ ચૂંટણીનું પરિણામ આવ્યા પછીથી આ બાબતે તાપસ હાથ ધરી પગલાં લેવાશે એમ સૂત્રો જણાવી રહ્યા છે.

પક્ષનું દબાણ આવતા પાર્થ પોલીસને ગોળ ગોળ ફેરવે છે?

કારેલીબાગ લાલબહાદુર શાસ્ત્રી સ્કૂલ પાસેથી ભાજપના કાર્યકર પાર્થ પુરોહિતનું અપહરણ ભાજપના જ કાર્યકર અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા રાજુ સરદારે અપહરણ કર્યું હતું.આ બાબતે રાજકીય આકાઓના ઈશારે પાર્થે મોડી રાત્રે કારેલીબાગ પોલીસ મથકમાં અરજી આપી હતી.પરંતુ એનો જવાબ આપવા જવાને માટે પાર્થ પોલીસને ગોળગોળ ફેરવી રહ્યો છે.ત્યારે પક્ષમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પક્ષનું ઉપલી કક્ષાએથી દબાણ આવતા પાર્થ પણ પોલીસને જવાબ આપવાને બદલે ગોળગોળ ફેરવીને સમય પસાર કરી રહ્યો છે.