વડોદરા,તા.૧૫ 

નિઝામપુરા વિસ્તારમાં આવેલ નતાશા પાર્ક રેસીડેન્સી ખાતે રહેતા ડૉ.નિકુલ પટેલે ફતેગંજ પોલીસ મથક, ઉત્તર ઝોનના મામલતદાર અને ફોરેસ્ટ વિભાગને કરેલી અરજીમાં જણાવ્યા અનુસાર, આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ ભરતભાઈ પોલડિયા નામના વ્યક્તિ ૨ મજૂરો પાસે સંતોષીનગર સોસાયટીની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં આવેલું જાંબુનું ઝાડ કપાવી રહ્યા હતા. આ અંગે ફરિયાદી દ્વારા કોણી પરવાનગીથી ઝાડ કાપી રહ્યા હોવાનું તેમને પુછવમાં આવતા ભરતભાઈએ જણાવ્યું હતુંકે, અમને સ્થાનિક કોર્પોરેટર પન્નાબેન દેસાઈની સૂચના છે એટલે અમે આ ઝાડ કાપી રહ્યા છે.

આ માટે કોઈ પરમિશન લીધી છે કે કેમ? તેમ પૂછવામાં આવતા સામેથી ‘અમને તો ઉપરથી ઓર્ડર છે, એટલે કાપવું પડે, એમાં કોઈ પરમિશન લેવાની ના હોય’ તેમ કહી દેવામાં આવ્યું હતું. આ જવાબ ગળે ન ઉતરતા ડૉ. નિકુલ દ્વારા પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. જેથી ભરતભાઈએ બંને મજૂરોને ઝાડ કાપવાનો સામાન લઈને મોકલી દીધા હતા. પોલીસની પી.સી.આર વાન આવી પહોંચતા ડૉ. નિકુલ પટેલ દ્વારા આ અંગે ફતેગંજ પોલીસમથકે અરજી આપવામાં આવી હતી. આ સાથે તેમણે ઉત્તર ઝોનના મામલતદાર અને ફોરેસ્ટ ઓફિસરને પણ અરજી આપીને ગેરકાયદેસર વૃક્ષનું નિકંદન કરવામાં શામેલ તમામ લોકોની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા

માંગ કરી છે.