મોડાસા-

બાયડ તાલુકાના ગણેશપુરા ગામની સગીરાને ઇસમ લગ્ન કરવાના ઇરાદે ફોસલાવીને ભગાડી ગયાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ ખેડૂત પરિવાર મરણ પ્રસંગે ગયા બાદ પરત ઘરે આવતાં સગીરા જોવા મળી ન હતી. જે બાદમાં આસપાસમાં તપાસ કરતાં સગીરા નહીં મળતાં પરિવારજનો ચોંકી ગયા હતા. આ તરફ શંકાના આધારે એક ઇસમના ઘરે તપાસ કરતાં તે પણ હાજર ન હોઇ ઇસમ જ સગીરાને ભગાડી ગયો હોવાનું માની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ખેડૂત પરિવારની સગીર દીકરીને ઇસમ ભગાડી જતાં આ મામલે પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ગણેશપુરા ગામે સગીરાને ઇસમ ભગાડી ગયાની ઘટના સામે આવી છે. ગામમાં ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં આધેડ અને તેમની પત્નિ મરણપ્રસંગે બહાર ગયા બાદ મોડીરાત્રે પરત ફર્યા હતા. જ્યાં ઘરે માત્ર બે પુત્રો જ સુઇ રહ્યા હોઇ અને તેમની સગીર દીકરી હાજર મળી ન આવતાં બેબાકળા બની શોધખોળ હાથ ધરી હતી. આ તરફ આસપાસ તપાસ કરવા છતાં સગીરા નહીં મળતાં શંકાના આધારે નરવત ઉર્ફે જયદિપ રૂપાજી પરમારના ઘરે તપાસ કરતાં તે પણ હાજર મળી આવ્યો ન હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, લગ્ન કરવાના અને લલચાવી-ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે સગીરાને ભગાડી જવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગત 9 માર્ચના રોજ સગીરાને નરવત ઉર્ફે જયદિપ રૂપાજી પરમાર ભગાડી ગયો હોઇ આધેડે ફરીયાદ નોંધાવી છે. ઘટનાને લઇ આંબલિયારા પોલીસે ઇસમ સામે આઇપીસી 363, 366 અને પોક્સોની કલમ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.