રાજપીપળા, તા.૯ 

 ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મીઠા પાણીની તાપી નદી આધારિત યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુલ ૧૧૭ ગામો તથા સાગબારા તાલુકાના કુલ ૮૫ ગામોને મીઠું પાણી પૂરું પાડવા રૂપિયા ૩૦૯ કરોડની યોજનાની સરકારે અગાઉ જાહેરાત કરી હતી.

યોજનાનું કામ પૂર્ણ થતાં ગુજરાત ભાજપ સાંસદ મનસુખ વસાવા પોતાના મતવિસ્તારના કાકરપાડા, સામરપાડા, કેવડી, ચિકદા, કમદવાવ (ડા઼ભણ), સાબુટી, રેલવા, મોસ્કુટ, વાડવા, ઝરણાવાડી, ચુલી, બોરીપીઠા, ડેડીયાપાડાની મુલાકાતે ગયા હતા.દરમીયાન આદિવાસી આગેવાનો અને સરપંચોએ મનસુખભાઈ વસાવાને એવી ફરિયાદો કરી હતી કે ૨૦૨ ગામોમાંથી ફક્ત ૨૦ થી ૨૫ ગામોને પાણી મળે છે બાકીના ગામોને ગામ સુધી પાણી સંગ્રહના સંપ તથા ટાંકીઓ સુધી જ પહોચે છે.પણ લોકોના ધરે ધરે હજુ પાણી પહોચતુ નથી, ૩૦૯ કરોડ જેટલી માતબર રકમની યોજના હોય અને રાજ્ય સરકારનો હેતુ એવો છે કે દરેક ગામમાં દરેક ફળિયે તથા ઘરે ઘરે નળ કનેક્શન આપવું જોઈએ, પણ સરકારનો એ હેતુ આ કામગીરીને જોઈ સિદ્‌ધ થતો નથી.એ વિસ્તારના લોકોની ફરિયાદ પરથી એક બાબત એ સાબિત થાય છે કે ગુજરાત સરકારની કરોડો રૂપિયાની મીઠા પાણીની યોજના આદિવાસીઓ માટે ફાયદાકારક નથી.