વડોદરા : સરકારી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના સામાનની ચોરી અને મોબાઈલની ચોરીના વધી રહેલા બનાવોમાં આજે ગોત્રી હોસ્પિટલમાં મોબાઈલની ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં દર્દીઓના વોર્ડમાં ઘૂસી જઈ મોબાઈલની ચોરી કરતો અજાણ્યો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેના આધારે ગોત્રી હોસ્પિટલના નોડલ અધિકારીએ ગોરવા પોલીસ મથકમાં અજાણ્યા મોબાઈલ ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સરકારી હોસ્પિટલો સત્તાધીશોની લાલિયાવાડીના કારણે અસામાજિક તત્ત્વો અને તસ્કરો માટે સ્વર્ગ સમાન પુરવાર થઈ રહી છે. જેમાં કેટલાક જાણભેદુ તસ્કરો અને ચોરીની ટેવ ધરાવના હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાંસંબંધીઓના સામાન અને રોકડ રકમના પર્સો તેમજ મોંઘી કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ જતાં હોય છે. જેથી લાચાર કેટલાક બહારગામના દર્દીઓ પોલીસ કેસ કરવાનું ટાળતા હોય છે. જેના કારણે અસામાજિક તત્ત્વો અને ચોરીચપાટી કરતાં જાણભેદુ શખ્સો માટે સરકારી હોસ્પિટલોમાં ચોરી કરવાનું સલામત સ્થળ માણી રહ્યા છે. જેથી સરકારી હોસ્પિટલમાં રોજબરોજ નાની મોટી ચોરીઓના બનાવો બની રહ્યા છે. જેમાં આજે ગોત્રી હોસ્પિટલમાં એક જાણભેદુ ચોર દાખલ દર્દીઓના વોર્ડમાં ઘૂસી આવ્યો હતો, જ્યાં તેને ચાલાકીથી દાખલ દર્દીના પલંગ ઉપર પડેલા મોંઘી કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવની ફરિયાદ દર્દીના સગાંએ હોસ્પિટલના અધિકારીને કરતાં હોસ્પિટલના નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રી પાસે પહોંચતાં તેમને વોર્ડના સીસીટીવીના ફુટેજની તપાસ કરતાં તેમાં એક પીળા કલરનો શર્ટ પહેરેલ અજાણયો શખ્સ મોબાઈલ ફોનની ચોરી કરતાં જણાઈ આવ્યો હતો, જેના આધારે ગોરવા પોલીસ મથકે ડો.શીતલ મિસ્ત્રીએ ફરિયાદ નોંધાવી હતી.