અમદાવાદ-

દિલ્હીની જેમ કોરોના વાયરસના કહેર વચ્ચે હવાના પ્રદૂષણે ચિંતા વધારી દીધી છે, ખાસ કરીને કોરોના સંક્રમિત દર્દીઓએ આ વખતે વધારે સાવધાની રાખવાની આવશ્યકતા છે. હાલ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટનુ ધ્યાન રાખ્યા વગર એકબીજાને હળમળી રહ્યા છે. આથી આવી પરિસ્થિતિમાં કોરોના ફરી ઉથલો મારશે તેવી ચેતવણી આરોગ્ય વિભાગે અગાઉથી જ આપી છે.

અમદાવાદના પિરાણા, બોપલ, સેટેલાઈટ, એરપોર્ટ અને રાયખડ સહીતના વિસ્તારોમાં હવાના પ્રદૂષણમાં ચિંતાજનક વધારો થયો છે. પિરાણા ખાતે સવારે નવ કલાક એર કવોલિટી ઈન્ડેકસ 313 હતો જે સાંજે છ કલાકે 342 ઉપર પહોંચી ગયો છે. અમદાવાદ શહેરનો ઓવરઓલ એર કવોલિટી ઈન્ડેકસ ગુરૂવારે સવારે નવ કલાકે 228 હતો જે સાંજે છ કલાકે વધીને 273 પર પહોંચી ગયો હતો. અમદાવાદ સહિત ઘણા શહેરોમાં લોકો દિવાળી પર્વની ઉજવણીમાં એટલા તલ્લીન થઇ ગયા છે કે કોરોના વાયરસનો કહેર હજી ચાલુ છે તે ભુલી ગયા હોય એવું દેખાઇ રહ્યુ છે. ઘણા સ્થળોએ તો સોશિયલ ડિસ્ટન્સ પણ ના જળવાતુ હોવાનું જોવા મળી રહ્યું છે. શહેરમાં હાલ બેવડી ઋતુનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે.