દિલ્હી-

કોરોનાના કહરની વચ્ચે દેશમાં મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશના અલગ-અલગ ભાગોમાં બ્લેક ફંગસના અત્યાર સુધી ૭૨૫૧ કેસ સામે આવ્યા છે અને ૨૧૯ લોકોના મોત થયા છે. ગુરૂવારના કેન્દ્ર સરકારે કહ્યું કે, રાજ્યોને મહામારી અધિનિયમ, ૧૮૯૭ અંતર્ગત બ્લેક ફંગસને મહામારી જાહેર કરવી જાેઇએ. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૩ સરકારી હૉસ્પિટલો લોકનાયક, જીટીબી અને રાજીવ ગાંધી હૉસ્પિટલને બ્લેક ફંગસ માટે સમર્પિત કેન્દ્ર સ્થાપિત કરવા માટે કહ્યું છે.

આ પહેલા રાજસ્થાન સરકારે બ્લેક ફંગસને મહામારી જાહેર કરી દીધી છે. આ સાથે જ અનેક રાજ્ય સરકારો એલર્ટ પર છે. મ્યુકરમાઇકોસિસથી પ્રભાવિત દેશના ૧૦ સૌથી પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે. મહારાષ્ટ્રમાં મ્યુકરમાઇકોસિસના ૧,૫૦૦ કેસ છે અને આના કારણે ૯૦ લોકોના મોત થયા છે. ગુજરાતમાં ૧૫૦૦ કેસ સામે આવ્યા છે અને ૭૫થી વધુ લોકોના મોત થયા છે. મધ્ય પ્રદેશમાં ૫૭૫ કેસ અને ૩૧ના મોત, હરિયાણામાં ૨૬૮ કેસ અને ૮ લોકોના મોત, દિલ્હીમાં ૨૦૩ કેસ અને એક દર્દીનું મોત, ઉત્તર પ્રદેશમાં ૧૬૯ કેસ અને ૮ મોત, બિહારમાં અત્યાર સુધી ૧૦૩ કેસ સામે આવ્યા છે અને ૨ લોકોના મોત થયા છે. જ્યારે છત્તીસગઢમાં મ્યુકરમાઇકોસિસના ૧૦૧ કેસ સામે આવ્યા છે અને એક વ્યક્તિનું મોત થયું છે, કર્ણાટકમાં ૯૭ કેસ સામે આવ્યા છે અને સત્તાવાર આંકડાઓમાં કોઈનું પણ મોત થયું નથી. તેલંગાણામાં મ્યુકરમાઇકોસિસના ૯૦ કેસ સામે આવ્યા છે અને ૧૦ મોત પણ નોંધાયા છે. આ દરમિયાન મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસના વધતા સંક્રમણના કારણે આની સારવારમાં ઉપયોગ કરવામાં આવનારી એન્ટી-ફંગલ દવા એમ્ફોટેરિસિન-મ્ની ડિમાન્ડ વધી ગઈ છે. દિલ્હી હાઈકોર્ટે ગુરૂવારના સલાહ આપી કે કેન્દ્ર દેશમાં માંગ પુરી કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર દવાની ખરીદી કરે.