વડોદરા, તા.૨૩ 

અનેક વિવાદો બાદ બરોડા ક્રિકેટ એસોસિએશનની ૭૯મી એજીએમ સફળતા પૂર્વક સંપન્ન થઈ હતી. ઓનલાઈન એજીએમમાં પ્રમુખ પ્રણવ અમીને નવા બોર્ડ દ્વારા ક્રિકેટીંગ ક્ષેત્રે સુધારા સહિત કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો અને રિઝોલ્યુશન મૂકી બેઠક મુલત્વી રાખી હતી. હવે આવતીકાલે સાંજે સભ્યોએ પોસ્ટલ બેલેટથી રજૂ કરેલા તેમના મતો જાહેર કરાશે.

બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમ અનેક વિવાદો વચ્ચે સાંજે યોજાઈ હતી. ઓનલાઈન યોજાયેલ એજીએમમાં પ્રમુખ પ્રણવ અમીને ઓનલાઈન એજીએમમાં જાેડાયેલા સભ્યોને નવી બોડીએ સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ ક્રિકેટીંગ સંદર્ભે કરાયેલા સુધારા સ્ટેડિયમના નિર્માણની શરુ કરવામાં આવેલી કામગીરી તેમજ બીસીએના વહિવટને પારદર્શક બનાવવા માટે આગામી આયોજનો અંગે માહિતી આપી હતી. ત્યાર બાદ એજન્ડાના બે મુદ્દાઓ પાછલા ૪ વર્ષ એટલે વર્ષ ૨૦૧૫-૧૬થી ૨૦૧૮-૧૯ના ઓડિટેડ એકાઉન્ટસ અને આ વર્ષ માટે ઓડિટરની નિમણૂંક માટેનો પ્રસ્તાવ રજૂ કરી એજીએમ મુલત્વી રાખી હતી.

બીસીએની પ્રેસ કમિટીના ચેરમેન સત્યજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે સભાસદો આવતીકાલે સાંજે ૪ વાગ્યા સુધી પોસ્ટલ બેલેટથી રિઝોલ્યુશન પર તેમનો મત બંધ કરવમાં બીસીએની ઓફિસમાં મોકલી શકશે. ત્યાર બાદ પોસ્ટલના સમર્થનમાં કે વિરોધમાં મતોની ગણતરી કરીને મતોની જાહેરાત કરાશે અને પ્રમુખ સબોધન કરશે. આમ અનેક વિવાદો બાદ બીસીએની એજીએમ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.